ધરમપુર : સમગ્ર રાજ્યમાં હાલમાં જ સર્જાયેલા લઠ્ઠાકાંડના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. આ આક્રોશને ખાળવા અને પોતાની સાવ વણસી ગયેલી ઇમેજ સુધારવા માટે સરકાર અને પોલીસતંત્ર બંન્ને જમીન આસમાન એક કરી રહ્યા છે. જેના પગલે દારૂબંધીનો કથિત રીતે કડક અમલ કરાવવા માટે વલસાડ પોલીસ બાતમીના આધારે દારૂની રેડ કરવા માટે પહોંચી હતી. જેના પગલે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. સ્થાનિક લોકોએ પોલીસને ઘેરી લીધી હતી.
ADVERTISEMENT
સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર તુતુમેમેના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે પોલીસે પણ દરોડા પાડ્યા તો ઘરમાં ભરેલી નહી પરંતુ ખાલી દારૂની બોટલો મળી આવી હતી. જેના કારણે મામલો વધારે ગરમાયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટ કરનારા યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક યુવાનોને લઇને ધરમપુર પોલીસ સ્ટેશન રવાના થઇ હતી. જેના પગલે મામલો વધારે ગરમાયો હતો. લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
પોલીસે બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરતા પોલીસ સાથે બબાલ કરી રહેલા યુવાનો પૈકી એક યુવાન નશાની હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે સ્થાનિક લોકોએ પોલીસ પણ નશામાં હોવાનો સામે આક્ષેપ કર્યો હતો. પોલીસને દારૂની બોટલ નહી મળતા ખાલી બોટલો રોડ પર ફેંકી હતી જેથી લોકો રોષે ભરાયા હતા. લોકોએ રોડ વચ્ચે બોટલો ફેંકવા મુદ્દે પોલીસને ટોકતા પોલીસ પોતાના રોજિંદા અંદાજમાં આવી અને લોકોનો પણ રોષ ફાટી નિકળ્યો હતો. ત્યાર બાદ બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ તો આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
ADVERTISEMENT