Bharuch Lok Sabha Election: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ચાલી રહેલા આંદોલનના પડઘા દૂર-દૂર સુધી પડ્યા છે. પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં રાજા-રજવાડાઓ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિયો લાલઘુમ થઈ ગયા છે. રૂપાલાના ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના કેટલાક ગામડાઓમાં તો 'કોઈ ભાજપ નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. તો ભાજપના કાર્યક્રમોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ઠેર-ઠેર ભાજપનો વિરોધ
ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ તેમને હરાવવા મેદાને પડ્યો છે. ક્ષત્રિય સમાજનો ધર્મરથ સમગ્ર ગુજરાતમાં ફર્યો હતો અને આ ધર્મરથ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવાના ક્ષત્રિયોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે અંકલેશ્વરના ગામડામાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું સામે આવ્યું છે.
ભાજપના કાર્યકરોને ક્ષત્રિય સમાજના લોકોએ ભગાડ્યા
હકીકતમાં અંકલેશ્વરના નવા પુન ગામે ભાજપના કાર્યકરો પ્રચાર કરવા માટે ગયા હતા, આ દરમિયાન ગ્રામજનોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકોરને ક્ષત્રિય સમાજના લોકોએ ગામની બહાર જવાનું કહ્યું હતું. આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નવા પુન ગામના લોકો ભાજપના કાર્યકરોને ગામની બહાર સુધી મૂકવા ગયા હતા.
ઈનપુટઃ ગૌતમ ડોડીયા, અંકલેશ્વર
ADVERTISEMENT