રાજકોટ : ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. પોતાના કાર્યક્રમ દરમિયાન તેઓએ દ્વારકા અને સોમનાથની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રાજકોટમાં નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતુ. જો કે સૌથી રોચક વાત રહી હતી કે, ચીફ જસ્ટિસ પણ રંગીલા રાજકોટના દિવાના બન્યા હતા.
ADVERTISEMENT
ચીફ જસ્ટિસે પોતાના સંબોધનની શરૂઆત જ ગુજરાતીથી કરી હતી. ચીફ જસ્ટિસે પોતાનું સંબોધન જયશ્રી કૃષ્ણ સાથે શરૂ કર્યું હતું. પ્રારંભિક સંબોધન પણ ગુજરાતીમાં કર્યું હતું. તેમણે કહ્યું કે, આ એક એવું શહેર છે જે બપોરે 1 થી 4 દરમિયાન સુઇ જાય છે. સૌરાષ્ટ્રની સંતો મહંતોની ભૂમિ છે અને અહીં આવવું મારૂ સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે, દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ પણ અહીંની આલફ્રેડ હાઇસ્કૂલ અને કબા ગાંધીના ડેલાને યાદ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટના રેસકોર્ષ રોડ, રેસકોર્ષમાં યોજાતો લોકમેળો, ફાફડા જલેબી,ચાની લારી,પાનના ગલ્લાને યાદ કર્યા હતા.
સીજેઆઇએ કહ્યું કે, રાજકોટના લોકો બપોરે ૧ થી ૪ સૂઇ જાઇ છે અને રાત્રે ૧ વાગ્યા સુધી રેસકોર્ષમાં બેસે છે. અહીંના ઓટોમોબાઇલ્સ, બેરિંગ સહિતના ઉધોગને યાદ કર્યા હતા. ઘેલા સોમનાથ અને જલારામ બાપાના આર્શિવાદ અહીંના લોકોને મળી રહ્યા છે. CJI ડી વાય ચંદ્રચૂડએ તેમના ભાષણમાં વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરાઈને તેમણે ગયા વર્ષથી દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ શરૂ કર્યો છે. જેથી તે રાજ્યોના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને અને જિલ્લા ન્યાયપાલિકાના સદસ્યોને મળી શકું છું. તેમની સમસ્યા સાંભળી શકું, જેથી આવનારા સમયમાં તેમનું સમાધાન યોગ્ય રીતે કરી શકાય.
CJI એ વધુમાં કહ્યું કે, ડીસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયપ્રણાલીનું અતિ મહત્વનું અંગ છે,લોકો સૌથી પેલા ન્યાય માટે ડીસ્ટ્રિક્ટ કોર્ટ આવે છે,નહીં કે સુપ્રીમ કોર્ટ. ડીસ્ટ્રિક્ટ કોર્ટના વકીલોની જવાબદારી છે કે ‘ન્યાયની ધ્વજા’ હંમેશા ફરકતી રહેવી જોઈએ. આજે મને દ્વારકાધીશની ધ્વજા જોઈને ખૂબ જ પ્રેરણા મળી છે. આ ધ્વજમાં આપણા સૌ માટે એક સંદેશ છે,કે આપણા સૌની ઉપર એક તત્વ છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં એક અન્ય મુદ્દે મને પ્રભાવિત કર્યો આ પરિસરનો 40% ભાગમાં વૃક્ષો,છોડ અને હરિયાળી છે. આ માત્ર દેખાવમાં સારું નથી લાગતું પરંતુ સમાજ પ્રત્યે આપણી જવાબદારી પણ દર્શાવે છે.
આજે સોમનાથ દર્શન કર્યા,જ્યાની એક વાતથી હું ખૂબ જ પ્રભાવિત થયો કે, સોમનાથ ભારતનું પહેલું મંદિર છે કે જ્યાં ‘ઝીરો વેસ્ટ ફેસિલિટી’ લાગુ કરવામાં આવી છે. ચાલો આપણે પણ આ વાતથી પ્રેરાઈને રાજ્યની તમામ કોર્ટમાં ‘ઝીરો વેસ્ટ ફેસિલિટી’ લાગુ કરીએ.
ADVERTISEMENT