ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજસ્થાનથી ગુજરાતમાં આવતી તમામ બોર્ડર નધનિયાતી થઈ છે. અહીં રોજે રોજ ગુજરાતમાં આવતા દારૂ ભરેલા વાહનો પકડાય છે. જોકે પકડાય છે, તેનાથી વધુ વાહનો ગુજરાતમાં ઘૂસણખોરી થઈ રહ્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. ત્યારે દેશ જ્યારે આઝાદીના 77મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાંથી ગુજરાતના કચ્છ-કાઠીયાવાડમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઇમની ટીમે ડીસાના કંસારી નજીકથી જીપ્સમ પાવડરની આડમાં દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી રૂપિયા 27 લાખના દારૂ સાથે રૂપિયા 47 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ADVERTISEMENT
એક સફળ ઓપરેશનમાં ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી નજીકથી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે દારૂ ભરીને જતું કન્ટેનર ઝડપી લીધું હતું. પોલીસ ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી જીપ્સમ પાવડરની આડમાં કન્ટેનરમાં મોટા જથ્થામાં દારૂ ભરીને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં પહોંચવાનું છે. જેથી સીઆઈડીની ટીમે ખાનગી વેશમાં વોચ ગોઠવી બાતમી મળ્યા મુજબનું કન્ટેનર આવતા ડીસા તાલુકાના કંસારી ગામ નજીક અટકાવી દીધું હતું. પોલીસે તપાસ કરતા કન્ટેનરમાં પાછળના ભાગે જીપ્સમ પાવડરના કટ્ટા ભરેલા હતા.
આ કન્ટેનરના અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હતી. પોલીસે કન્ટેનર ડીસા તાલુકા પોલીસ મથકે લાવતા અંદરથી કુલ રૂપિયા 27 લાખની કિંમતની 13,980 બોટલ વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કન્ટેનર સહિત 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કન્ટેનર ચાલક માલારામ સોનારામ જાટની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂ રાજસ્થાનથી ભરી કચ્છ અને કાઠીયાવાડ તરફ લઈ જવાતો હતો. દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જવા તો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT