ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે તેમના જન્મ દિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરમાં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેક સેવાકીય કાર્યો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 61મો જન્મ દિવસ છે. ત્યારે જન્મ દિવસની શરૂઆત ત્રિમંદિરમાં પૂજા અર્ચનાથી કરી હતી. મુખ્યમંત્રીને ગુજરાત સહિત અનેક રાજ્ય અને દેશ વિદેશમાંથી શુભકામના મળી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવતા ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ. મોદીજીના માર્ગદર્શનમાં આપ રાજ્યની વિકાસયાત્રાને અવિરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો તેમજ વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છો. આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે કામના કરુ છું.
ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ 2017 માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા ચૂંટણીમાં 1,17,000 જંગી મતોની સરસાઈથી જીત્યા હતા. અને 1લી ટર્મમાં જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તે અમદાવાદ મ્યુનિસિપાલટી ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
દાદાભગવાન પર અપાર શ્રદ્ધા
મુખ્ય મંત્રી બન્યા પછી રાજ્યપાલ ભવનથી સીધા અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શને પહોંચ્યા હતા . દાદાભગવાને સ્થાપેલા આ પંથમાં ભૂપેન્દ્રભાઈને અતૂટ આસ્થા છે. યોગાનુયોગ એ છે કે તેમને સૌ ‘દાદા’ એવા પ્રેમાળ નામે બોલાવે છે. તેમની ઉંમર, દાદાભગવાનમાં શ્રદ્ધા અને વડીલ જેવો સ્વભાવ એ બધાના કારણે તેમની દાદાની ઈમેજ બની છે.
2022ની ચૂંટણીમાં તોડ્યો આ રેકોર્ડ
જે રેકૉર્ડ નરેન્દ્ર મોદી પોતાના મુખ્ય મંત્રીકાળમાં પણ નહોતા તોડી શક્યા તે રેકૉર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યો છે. આ રેકૉર્ડ હતો 1985ની ચૂંટણીઓમાં મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે જીતેલી 149 બેઠકોનો, જેને ભાજપે 37 વર્ષ બાદ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં તોડી નાખ્યો.
રાજકીય સફર
15 જુલાઈ, 1962માં અમદાવાદમાં જ જન્મેલા ભૂપેન્દ્રભાઈ 1987થી ભાજપ-આરએસએસ સાથે જોડાયા હતા. મેમનગરમાં સંઘની પંડિત દિનદયાળ લાયબ્રેરી સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. નવા વિકસી રહેલા અમદાવાદમાં રહેવા આવ્યા તે પછી મેમનગર નગરપાલિકામાંથી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. 1995માં મેમનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા. મેમનગર સહિતના વિસ્તારો અમદાવાદ મહાપાલિકામાં ભળ્યા તે પછી 2010-15 દરમિયાન થલતેજથી જીતીને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન બન્યા હતા. 2008-10માં સ્કૂલ બોર્ડના ચૅરમૅન તરીકે અને 2015થી 2017 સુધી ઔડાના ચૅરમૅન તરીકે તેમને સરકારી વહિવટનો સારો અનુભવ રહ્યો છે.
ADVERTISEMENT