Chandipura Virus: ગુજરાતમાં કોરોના બાદ હવે ચાંદીપુરા વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં જ આ વાઈરસના કારણે 8 બાળકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે વાઈરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 14 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી અરવલ્લી અને સાબરકાંઠામાંથી વાઈરસના શંકાસ્પદ કેસો બાદ વધુ એક જિલ્લામાં ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી થઈ છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 4 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
ADVERTISEMENT
4 વર્ષની બાળકીની હાલત ગંભીર
વિગતો મુજબ, પંચમહાલના ગોધરાના કોટડા ગામમાં 4 વર્ષની બાળકીમાં ચાંદીપુરમ વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવી છે. તો આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા કોટડા ગામની તાત્કાલિક મુલાકાત લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 47 મકાનમાં રહેતા 235 જેટલા વ્યક્તિઓનો સર્વે કરીને પાઉડરનો છંટકાવ, પોરા નાશક અને તિરાડો પુરવાની કામગીરી કરવામાં આવી છે. તો અસરગ્રસ્ત બાળકીના સેમ્પલ લઈને પુના ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 બાળકોના મોત
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઈરસ અંગે માહિતી આપતા મંગળવારે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં 4 કેસ આવ્યા હતા, જેમાંથી 2 બાળકોના મોત થયા છે. અરવલ્લી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા, જેમાં તમામ બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત મહિસાગરમાં 1 કેસ હતો તે બાળકનું અને આજે રાજકોટમાં એક કેસમાં બાળકનું મોત થયું છે.
કેવી રીતે થાય છે ફેલાય છે આ વાયરસ?
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે. મંત્રીએ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
આ વાઈરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.
ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ શિકાર 15 વર્ષથી નીચેના બાળકો છે. આ ઉંમરના બાળકોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે. ચાંદીપુરાની સારવાર માટે હજુ સુધી કોઈ એન્ટી વાઈરલ દવા બનાવવામાં આવી નથી.
ADVERTISEMENT