Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ એક બાદ એક બાળકોના મૃત્યુ નિપજી રહ્યાં છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ એક બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા હતા. બાળકીને તાવ, ઊલટી થતાં સ્થાનિક કક્ષાએ સારવાર આપવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈ મહીસાગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
ADVERTISEMENT
5 વર્ષની બાળકીમાં જોવા મળ્યા હતા લક્ષણો
મહીસાગર જિલ્લામાં સૌ પ્રથમ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો એક બાળકીમાં જોવા મળ્યા હતા. લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પોતાના દાદા-દાદી પાસે રહેતી અંદાજિત પાંચ વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈ અને તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
12 જુલાઈએ લઈ જવાઈ અમદાવાદ
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકીના મોત બાદ જાણવા મળ્યું હતું કે, આ બાળકી તેના મામાના ઘરે રહેવા માટે આવી હતી. તેનું મૂળ ગામ લુણાવાડા તાલુકાનું ટોડીયા નમનાર છે. બાળકી દાદા-દાદી પાસે જુના રાબડીયા ગામે રહેતી હતી. તે દરમિયાન તેને તાવ અને વોમેટ થઈ હતી. જેથી નજીકના દવાખાને તેની દવા કરાવવામાં આવી હતી, પંરતુ તબિયત ન સુધરતાં અમદાવાદ વધુ સારવાર માટે 12 જુલાઈએ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન 14 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
સેમ્પલ પુણે મોકલાયા
આ અંગે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિત અનુસાર, તેના સેમ્પલ પુણેની લેબમાં રિપોર્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે. જોકે, હજી સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. પંરતુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. પ્રથમ સાબરકાંઠા ત્યારબાદ અરવલ્લી, ખેડા અને હવે મહીસાગરમાં પણ ચાંદીપુરા વાયરસે દસ્તક દીધી છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધી કુલ 8 બાળકોના મોત નીપજી ચૂક્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. હાલ મહીસાગરના જૂના રાબડીયા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ કાચા મકાનોમાં દવા છંટકાવ કરવામાં આવી રહી છે.
રિપોર્ટઃ વિરેનકુમાર જોશી, મહીસાગર
ADVERTISEMENT