નર્મદા: નર્મદામાં આજે દેશની પ્રથમ સાંસદ અને ધારાસભ્ય વચ્ચેની ડિબેટ કેન્સલ થઈ ગઈ છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જોકે આજે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના એપ્રિલ ફૂલ બનાવ્યા હોય તેમ ડિબેટમાં જવાથી ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. બીજા તરફ ચૈતર વસાવા ડિબેટ કરવા નીકળ્યા પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા.
ADVERTISEMENT
મનસુખભાઈ ડરીને પાણીમાં બેસી ગયા છે
ચૈતર વસાવાએ કહ્યું કે, મનસુખ ભાઈએ 28 તારીખે અમારા એજન્સીઓ પર હપ્તા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો હતો અને અમને ગદ્દાર કહ્યા હતા. તેના પુરાવા સાથે અમને રુબરૂ બોલાવી ખુલાસો કરવા અમે પત્ર લખ્યો હતો. ત્યારે મનસુખભાઈએ અમને ગાંધી ચોક ખાતે 10 વાગ્યે હાજર રહેવા કહ્યું હતું. અમે જતા હતા ત્યારે રસ્તામાં પોલીસ દ્વારા અમને અટકાવી દેવામાં આવ્યા છે. કલેક્ટરનું જાહેરનામું છે અને મનસુખભાઈ ત્યાં આવવાની ના પાડે છે, એટલે તમારે ત્યાં નથી જવાનું. મનસુખભાઈ કેમ નથી આવતા તે એક મોટો વિષય છે. કેમ કે આજે અમે તમામ પુરાવા સાથે ત્યાં પહોંચ્યા હતા. ભાજપના કયા નેતા અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા લઈને અમે ત્યાં પહોંચવાના હતા તેને લઈને આજે મનસુખભાઈ પાણીમાં બેસી ગયા છે. જો હવે તેઓ ખુલાસો કરવામાં નિષ્ફળ કરશે તો તેમના પર માનહાનિનો કેસ કરીશું.
ગુજરાત Tak સાથેની વાતચીતમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, અમે ડિબેટ કેન્સલ નથી કરી. અમારી તૈયાર હતી અને ચૈતરભાઈની ચેલેન્જ મુજબ અમે સ્વીકારી હતી. નર્મદાના જિલ્લાના મુખ્ય કાર્યકર્તા ડિબેટમાં ભાગ લેવાના હતા. પરંતુ AAPના નેતાઓએ ગુજરાતના કાર્યકર્તાને અપીલ કરી કે વડોદરાથી રાજપીપળા સુધીના તમામ કાર્યકર્તા નર્મદા પહોંચે. જો આમ થાય તો ડિબેટ ન થાય અને અરાજકતા ફેલાય. એટલે વહીવટી તંત્ર મજબૂર હતું. જે જગ્યા હતી તે રોડ જામ થઈ જાય એટલે વહીવટી તંત્રએ ભેગા થવાની મંજૂરી ન આપી. તોફાન થાય તો પરિસ્થિતિ બગડે અને સરકાર અને પાર્ટી બદનામ થાય એટલે અમને વટીવટી તંત્ર તરફથી જ મંજૂરી નથી મળી.
ADVERTISEMENT