નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. એવી સંભાવના છે કે આ મહિને શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તેને ગૃહમાં રજૂ કરી શકે છે. જ્યાં મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં રાજકીય પક્ષોના અભિપ્રાય આ અંગે વિભાજિત છે. આ મામલે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અગાઉ UCCના સમર્થનની વાત કરતા ચૈતર વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે ચૈતર વસાવાએ આ આમંત્રણ પર જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
ચૈતર વસાવાએ શું કહ્યું?
ચૈતર વસાવાએ કહ્યું, મનસુખ ભાઈ સાંસદ છે અને પીઢ આદિવાસી નેતા છે, એમણે મને ભાજપમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે, તે બાબતે હું તેમને કહેવા માગુ છું કે, ભાજપ સરકારે UCC લાગુ કરવાથી આદિવાસીઓનું અસ્તિત્વ નષ્ટ થવાનું છે, સંસ્કૃતિ નષ્ટ થવાની છે, તે પાર્ટીમાં હું જઈ ન શકું. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ 9 વર્ષથી તેમની સરકાર છે, પછી પણ જ્યારે આટલી બધી મોંઘવારી વધતી હોય, તેમના એજન્ડામાં જે વાયદા હતા તે ભાજપ પૂરા કરી શક્યું નથી. અને વાત કરો આદિવાસી સમાજની, જે સમાજમાંથી મનસુખભાઈ આવે છે. 27 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારોને આટલા મોટા ડેમો હોવા છતાં સિંચાઈનું પાણી અપાવી શક્યા નથી.
તેમણે આગળ કહ્યું, આદિવાસી વિસ્તારોમાં આજે પણ શિક્ષકો નથી, ઓરડાઓ નથી. આદિવાસી વિસ્તારોમાં બસની પૂરતી સુવિધાઓ પણ નથી અને મનસુખભાઈ પોતે 6 ટર્મથી સાંસદ હોઈ જાતિના પ્રમાણપત્રની અનેકવાર રજૂઆત કરવા છતા ખોટા લોકોને આપવામાં આવ્યા છે, તે પણ રદ કરાવી શક્યા નથી. તો અમારે ભાજપમાં જવાનો કોઈપણ પ્રશ્ન ઊભો નથી થતો. અમે આજે પણ આમ આદમી પાર્ટી સાથે છીએ.
ADVERTISEMENT