નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ભરુચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા રોડ નર્મદા જિલ્લામાં પસાર થાય છે. ત્યારે આ રોડ પર મસ મોટા ખાડા પડતા સરકારનું ધ્યાન દોરવા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. ધારાસભ્ય અને AAPના કાર્યકરો જાતે પાવડો ઉપાડી કપચી, રેતી, માટી અન્ય સામાન લઈને ખાડા પૂર્યા છે. આ હાઇવે રોડ પર અનેક ખાડાઓ પડતા અકસ્માત થતો હોવાના કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખાડા પૂર્યા હતા.
ADVERTISEMENT
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, રોડના કામમાં ભ્રષ્ટાચારના કારણે રોડ પર ખાડા પડયા છે. આ સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન કરાયું પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. તેવી ચીમકી ચૈતર વસાવાએ આપી છે. સાથે તેમણે કહ્યું કે, ડેડીયાપાડામાં ગંદકી છે લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે પણ ડેડિયાપાડા નગરમાં સફાઇ થતી નથી. જેનું પણ અભિયાન તેમણે અને AAP ટીમે આજે સાફ સફાઈનું કામ જાતે કર્યું હતું.
નોંધનીય છે કે, રાજ્યભરમાં વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા પડ્યા છે. રસ્તાઓની બિસ્માર હાલતના પગલે અકસ્માતના બનાવો પણ વધે છે. પાલનપુરમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં પાલનપુર અરોમા સર્કલથી મલાણા પાટીયા સુધી અઢી કિલોમીટરના રોડ પર ખાડા પડતા મોટા ટ્રકો નીકળવા મુશ્કેલ બન્યા છે. નાના વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બે મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ છે છતા તેનું નિરાકરણ આવતું નથી.
ADVERTISEMENT