અમદાવાદ: શહેરમાં સેન્ટ્રલ IBમાં ફરજ બજાવતી યુવતીએ રેલવેલમાં ક્લાસ-1 ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિ સામે દુષ્કર્મ અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે યુવતીએ પોતાના સાસુ, જેઠ અને નણદોઈ સામે પણ આક્ષેપો કર્યા છે. આ મામલે હવે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત એ છે કે યુવતીના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા.
ADVERTISEMENT
લગ્ન પહેલા યુવકે બાંધ્યા સંબંધ
વિગતો મુજબ, બોડકદેવમાં રહેતી સેન્ટ્રલ આઈબીમાં ફરજ બજાવતી યુવતીની મૂળ રાજસ્થાનના અને ચાંદખેડામાં રહેતા રેલવેના ક્લાસ-1 અધિકારી સાથે સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવકે યુવતીને મળવાનું શરૂ કર્યું અને સંબંધ બાંધવાની માગણી કરી. જોકે યુવતીએ લગ્ન પહેલા સંબંધ બાંધવાની ના પાડતા યુવકે સગાઈ તોડીને તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને તેને ડરાવીને મરજી વિરુદ્ધ બોડકદેવ ખાતે યુવતીના ક્વાર્ટરમાં જ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
હીટરથી પત્નીને ડામ આપતો પતિ
બાદમાં ડિસેમ્બર 2022માં બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના થોડા દિવસો બાદ પતિએ નાની નાની બાબતોમાં ઝઘડો કરવાનું શરૂ કર્યું અને પત્ની પાસે બીભત્સ માગણી કરી. આટલું જ નહીં દહેજની માગણી સાથે તેની સાથે મારઝૂડ કરતો હતો. લગ્ન બાદ શિયાળો હોવાથી બંનેના રૂમમાં હીટર મૂકવામાં આવ્યું હતું. એક દિવસે કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ હીટર પર બળજબરીથી પત્નીનો હાથ અડાડી તેને ડામ આપ્યા હતા. આટલું જ નહીં યુવતીના સાસુ તેમજ જેઠ અને નણદોઈ પણ તેને નાની-નાની વાતમાં હેરાન કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આખરે યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
યુવતીની પોલીસમાં ફરિયાદ
વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે IPCની કલમ 498 તેમજ 376 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે. હાલમાં મુખ્ય આરોપી વડોદરામાં હોવાથી પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ યુવતીની પણ તપાસ કરીને મેડિકલ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT