Bharuch News: ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે વાહન ઘરે પડ્યું હોવા છતાં ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ કપાવવાના મેસેજ મળ્યા હોય. ફાસ્ટ ટેગને લઈને અનેક ફરિયાદો અગાઉ ઉઠી ચૂકી છે. ત્યારે ભરૂચમાં આવો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચમાં રહેલી કારનો ટોલ ટેક્સ છેક 140 કિલોમીટર દૂર આવેલા ટોલ પ્લાઝા પરથી કપાઈ ગયો. કાર માલિકને ફોનમાં મેસેજ આવતા આ અંગે જાણ થઈ હતી.
ADVERTISEMENT
ભરૂચના અંકલેશ્વરમાં હતી કાર અને ટોલ ટેક્સ કપાયો
વિગતો મુજબ, ભરૂચના અંકલેશ્વરમાં રહેતા હિમાંશુ ભાઈની હ્યુંડાઈ ક્રેટા કાર શહેરમાં જ હતી. જોકે અચાનક તેમને ફોન પર 75 રૂપિયાનો ટોલ ટેક્સ કપાયાનો મેસેજ મળ્યો. આ ટોલ ટેક્સ છે 140 કિલોમીટર દૂર આવેલા બગવાડા ટોલ પ્લાઝા પરથી કપાયો હતો. કાર શહેરમાં હોવા છતાં હાઈવે પરથી ટોલ ટેક્સ કપાઈ જતા કાર માલિક પોતે પણ અચંબામાં પડી ગયા હતા.
NHAIમાં ફોન કરતા શું જવાબ મળ્યો?
જોકે આ મામલે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ કરી હતી. ત્યારે સામે આવ્યું કે ભરૂચ પાસિંગની ક્રેટા કારનો ફાસ્ટટેગ અન્ય કાર માટે ઈશ્યૂ થઈ ગયો છે. બીજી તરફ ટોલ પ્લાઝા પરના ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ટોલ કપાયો તે સમયે સફેદ કલરની અર્ટીગા કાર દેખાઈ રહી છે.
ADVERTISEMENT