સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉમરા વેલંજા વિસ્તારમાં એક કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવીને એક માસૂમ બાળકને કચડી નાખ્યો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. કાર ચાલક દ્વારા માસૂમ બાળકને કચડી નાખવાની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના ઉમરા બેલંજા સ્થિત સૌરાષ્ટ્ર ગ્રીન સિટી નામની સોસાયટીની છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે બે વર્ષનો માસૂમ બાળક એક નાનકડી સાઈકલ લઈને રોડ પર ઉભો છે અને તે તેની સાથે રમી રહ્યો છે. તે જ સમયે સફેદ રંગની અર્ટિકા કાર હંકારીને આવી રહેલ એક કાર ચાલક રોડ પર ઉભેલા આ નાના બાળક પર ચડાવી દે છે અને બાળક કારના ટાયર વચ્ચે આવી જાય છે.
આ દ્રશ્ય જોઈને નજીકના મકાનમાં રહેતા બાળકના પરિવારજનો કાર તરફ દૌડી જાય છે અને કાર ચાલકને ઘેરી વળ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકને કારની નીચેથી બહાર કાઢ્યા બાદ કાર ચાલક પોતે બાળકના પરિવારજનો સાથે તેને હોસ્પિટલે લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે બે વર્ષના બાળકને મૃત જાહેર કર્યો હતો.
ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બે વર્ષના બાળકના મોત મામલે કાર ચાલક વિશાલભાઈ ડાબી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે સોસાયટીની બી2 બિલ્ડિંગમાં રહે છે.
ADVERTISEMENT