Vadodara News: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો ફરી ગરમાયો છે. 48 કલાકનો સમય પૂર્ણ થવા છતાં ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો (GETCO)ની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ જેટકો (GETCO)ના એમ.ડી ગેરહાજર હોવાથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ.આર. જે.ટી રાયને કરી હતી. ઉમેદવારની રજૂઆત પર ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે,’ જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે.’ જે બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
ADVERTISEMENT
48 કલાકનો માંગવામાં આવ્યો હતો સમય
આ તકે એક ઉમેદવારે જણાવ્યું હતું કે, વડોદરા ખાતે 21 અને 22 ડિસેમ્બરે અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ જેટકોના એમડીએ અમારી પાસે નિર્ણય લેવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો. જેથી અમે 48 કલાકનો સમય આપીને આંદોલનને હાલ પૂરતું સમેટી લીધું હતું. આજે 48 કલાક થવા છતાં જેટકો દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા અમે જેટકોના એમડીને રજૂઆત કરવા પહોંચ્યા આવ્યા છીએ.
અમે ગાંધીનગરમાં કરીશું આંદોલનઃ ઉમેદવાર
ઉમેદવારે જણાવ્યું કે, જેટકોના એમ.ડી આજે ગેરહાજર હોવાથી અમે જનરલ મેનેજર એચ.આર કે.ટી રાયને રજૂઆત કરી હતી. જોકે, તેઓએ અમેને કહ્યું કે, અમે જે નિર્ણય લીધો છે, તેના પર અમે તટસ્થ છીએ. જેથી હવે અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું અને ઊર્જામંત્રીને ઉગ્ર રજૂઆત કરીશું.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુક સહાયકોની ભરતી બે તબક્કામાં હાથ ધરાઈ હતી. જેમાં 6 માર્ચ 2013 થી 13 માર્ચ 2023 સુધી પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ તથા 9 સપ્ટેમ્બર 2023ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1224 ઉમેદવારો પાસ થયા હતા અને તેમનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું હતું. જોકે બાદમાં એમ કહીને પ્રક્રિયા રદ કરાઈ કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL તથા GETCOની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નહોતી. જે બાદ તેને રદ કરી દેવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવા જણાવ્યું હતું.
1200થી વધુ ઉમેદવારોએ કર્યો હતો વિરોધ
જે બાદ ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારો વડોદરામાં GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. લેખિત અને પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા પાસ કરનારા 1200થી વધુ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પ્રદર્શનમાં જોડાયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ચર્ચા વિચારણા માટે જેટકોના મેનેજિંગ ડિરેકટરે બોલાવ્યા હતા.
અધિકારીએ માંગ્યો હતો 48 કલાકનો સમય
આ બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે કહ્યું હતું કે, જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે.જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો. અમે કહ્યું હતું કે ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરીથી નહીં આપે.જેથી યોગ્ય નિર્ણય લેવા જેટકોના અધિકારીઓએ અમારી પાસે 48 કલાકનો સમય માંગ્યો છે.એ પછી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. જેથી ઉમેદવારોએ 48 કલાસ માટે આંદોલન સમેટી લીધું હતું.
ADVERTISEMENT