સુરત : રાજ્યમાં વ્યાજખોરો સામે હાલ પોલીસ કડક કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ પોતાના દમખમ સાથે વ્યાજખોરો સામે લડી રહી છે. બીજી તરફ પોલીસની ધમક જોઇને વ્યાજખોરો પણ ભુગર્ભભેગા થયા છે. જો કે તેવામાં કેટલાક જરૂરિયાતમંદ કે જેઓને પૈસાની તો જરૂર છે પરંતુ બેંક તેમને નાણા આપી શકે તેમ નથી. તેવામાં આ લોકોની સ્થિતિ ખુબ જ નાજુક છે.
ADVERTISEMENT
આ સ્થિતિનો પણ તાગ મેળવીને સુરત પોલીસ કમિશ્નરે એક અનોખી અને સરાહનીય પહેલ શરૂ કરી છે. જેના અંતર્ગત વ્યાજખોરી ડામવા સાથે કોઇ જરૂરિયાતમંદની જરૂરિયાત પુરી થાય તે પ્રકારે સુરત પોલીસ જ હવે લોન મેળવવામાં મદદ કરશે. જેના અંતર્ગત જે વ્યક્તિ પૈસા ઇચ્છતી હોય તે વ્યક્તિએ 100 નંબર પર ફોન કરવાનો રહેશે. પોલીસ પોતે બેન્ક કર્મચારીને લઇને જે તે વ્યક્તિ પાસે પહોંચશે અને જરૂરિ ડોક્યુમેન્ટ સહિતની પ્રક્રિયા પુર્ણ કરીને તેને લોન અપાવશે.
બેંક દ્વારા 12 ટકાના દરે આવા વ્યક્તિને લોન અપાશે એટલે કે સરળ ભાષામાં કહીએ તો પ્રતિ મહિને 1% ના દરે બેંક લોન આપશે. જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને લોન પણ મળી રહેશે અને તેણે વ્યાજખોરોને 10 ટકા ના ચક્કરમાંથી પણ મુક્તિ મળશે. આ પ્રકારે સુરતની સ્થાનિક કોઓપરેટિવ બેંકો અને કેટલીક રાષ્ટ્રીય બેંકો સાથે પોલીસ કમિશ્નરે બેઠક કરીને સમગ્ર આયોજન કર્યું છે.
ADVERTISEMENT