ગાંધીનગરઃ ગુજરાતમાં 160 વિધાનસભા બેઠકો પર ધારાસભ્યોના નામની જાહેરાત કર્યા પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે અમારા સંવાદદાતા હિમાંશુ મિશ્રા સાથે ખાસ વાતચિત થઈ હતી. જેમાં તેમણે ચૂંટણી જંગમાં તેમનું એક માત્ર પ્રતિસ્પર્ધી કોંગ્રેસ છે તેવું કહી આમ આદમી પાર્ટીની સાવ અવગણના કરી હતી. ઉપરાંત તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સામેથી રાજીનામા આપીને અમારી સાથે આવ્યા હોવાની પણ વાત કરી હતી. તેમણે મોરબીની ઘટનાની આગામી ચૂંટણીમાં શું અસર પડશે તે માટે પણ પોતાની વાત મુકી હતી. તો આવો જાણીએ તેમણે શું જવાબ આપ્યા. અહેવાલના અંતમાં આ ખાસ વાતચિતનો વીડિયો પણ દર્શાવાયો છે.
ADVERTISEMENT
આ કોઈ ત્રિકોણીયો જંગ નથીઃ પાટીલ
આશાઓ છે કે અમે સફળ થઈશું. દરેક વખતે 20-25 ટકા ફેરફાર થતો હોય છે. લોકોને પણ નવા ચહેરાઓ પર અપેક્ષાઓ હોય છે. બધી તાકાતોને લઈને એક બુકે બનાવીને અમે ચાલી રહ્યા છીએ. છોડીને ગયા તેઓને આ ઈલેક્શન નાનું લાગતું હશે કે નવા લોકોને તક આપવા માગતા હશે. તેમણે સામેથી આ ચૂંટણી નહીં લડવાનું નક્કી કરીને નવા લોકોને તક આપવા માટે પાર્ટીને જાણ કરી હતી. આમ આદમી પાર્ટીને લઈને તેમણે કહ્યું કે કોઈ ત્રિકોણીયો જંગ નથી, અમારી લડાઈ ફક્ત કોંગ્રેસ સાથે છે અને તે પણ તૂટી રહી છે. તેના કારણે અમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે અમને વધુ સારી સુવિધા મળી જશે. અઢી વર્ષથી હું છું અત્યાર સુધી 4 ધારાસભ્યોને લીધા છે. તે પણ તેઓ સામેથી રાજીનામુ આપીને આવ્યા હતા. તેઓની સંખ્યા આમ તો બે ટકા થાય છે. જો તેઓ સારા કાર્યકર્તા છે અને 11 વખત ચૂંટણી જીતી શકે છે તો તેમના આવવાથી પાર્ટી મજબુત થશે.
પ્રધાનમંત્રી તુરંત મોરબી ન પહોંચ્યા કારણ કે…: પાટીલ
તેમણે મોરબીની ઘટનાની આ ચૂંટણી પર કેટલી અસર થશે તે અંગેના સવાલમાં જવાબ આપતા કહ્યું હતું કે, મોરબીની ઘટનામાં લોકોએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌથી પહેલા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં હતા તો પણ તે તુરંત ત્યાં ન ગયા તેમણે ત્રણે દળોના જવાનોને ત્યાં મોકલી દીધા અને મદદ કરી. જો પ્રધાનમંત્રી તરીકે ત્યાં પહોંચી જાય છે તો પ્રોટોકોલ અને વ્યવસ્થામાં બચાવ કાર્યને લઈને અડચણ ઊભી થઈ શકતી હતી. પણ તેમણે મુખ્યમંત્રીને પોતાના કાર્યક્રમોથી મુક્તી આપીને કહ્યું તમે જાઓ, ગૃહ રાજ્યમંત્રીને કહ્યું કે 24 કલાક સુધી કહ્યું કે કામ પુરું થાય નહીં ત્યાં સુધી મોરબી છોડવાનું નથી. અમારા ભાજપના કાર્યકર્તાઓ તુરંત ત્યાં પહોંચ્યા અને ખુદ નદીમાં કુદીને લોકોના જીવ બચાવ્યા છે. અમારા કાર્યકર્તાઓની સાથે પુરી મોરબીના લોકોએ હોસ્પિટલ જતા વખતે રોડ રસ્તા ખાલી કરી દીધા.
રેકોર્ડ્સ બનાવીશુંઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ
ગત ચૂંટણીમાં તમે સેન્ચ્યૂરી પણ પુરી કરી શક્યા ન હતા આ વખતે કેટલી બેઠકો જીતશો તેના સવાલ પર પાટીલ કહે છે કે, સૌથી વધુ વોટ મળશે, સૌથી વધુ લીડ મળશે. સૌથી વધુ બેઠકો મેળવવાના રેકોર્ડ્સ અમે બનાવીશું. ઉલ્લેખનીય છે કે તેમણે મોરબીની ઘટનામાં પ્રધાનમંત્રીની મોડા મુલાકાત કરવા અંગે સ્પષ્ટતા કરી અને આગામી ચૂંટણીમાં ભાજપ માત્ર જીત જ નહીં પરંતુ જંગી લીડ સાથે જીતીને આગળ આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT