ગાંધીનગર : ગૌણસેવા પસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2 માં પહેલા માળે આગ લાગી ગઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસમાં આગ લાગ્યા બાદ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે કર્મચારીઓ તો સહિસલામત બહાર આવી ગયા હતા પરંતુ કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ થઇ ગયા હતા.
ADVERTISEMENT
ફાયર વિભાગ દ્વારા કર્મચારીઓને તો બહાર કાઢી લીધા હતા. આગ પર કાબુ મેળવવા દરમિયાન અનેક ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ થઇ ગયા હતા. જો કે હવે આ આગ બાદ અનેક તર્ક વિતર્કો ચાલુ થઇ ચુક્યા છે. વિદ્યાર્થીઓમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, યુવરાજસિંહ કંઇક નવા ખુલાસા કરે અને જુની પરીક્ષાઓનાં સરકારના ગપલા અને કૌભાંડો બહાર લાવે તે પહેલા જ સરકાર દ્વારા તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે ગોપાલ ઇટાલિયાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ કોઇ કુદરતી આગ નથી કૃત્રિમ આગ છે. આ આગ સરકાર જનતાની ગુસ્સાની આગમાં ભડકે ન બળે તે માટે આ આગ લગાવવામાં આવી છે. આ આગ અનેક બિનકાયદેસર રીતે ઘુસી ગયેલા નકલી કર્મચારીઓના હૈયાને ઠંડક આપનારી આગ છે. યુવરાજસિંહ જેલમાં છે અને તે એક મોટા ઘટસ્ફોટની તૈયારી કરી રહ્યા હતા. જોકે આ ઘટસ્ફોટ થાય તો હજારો નકલી કર્મચારીઓનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા હતી. જેના કારણે આખરે આ આગ લગાવી દેવામાં આવી. જેથી સરકાર કહી શકે કે હાલ અમારી પાસે આવો કોઇ ડેટા નથી. આશ્રિત વોરા વખતના પેપરલિકના તમામ પાપ ધોવાઇ ગયા છે.
ADVERTISEMENT