Prabhatsinh Chauhan Death: પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું છે. પ્રભાતસિંહ ચૌહાણ 83 વર્ષની ઉંમરના હતા અને 5 ટર્મના ધારાસભ્ય અને 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ થોડા સમયથી બીમાર હતા અને માંદગીના કારણે તેમનું નિધન થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી છે.
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાને હરાવી સાંસદ બન્યા હતા
પ્રભાતસિંહ ચૌહાણ પોતાની મૂછો અને આગવી અદાથી ઓળખાતા હતા અને શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને હરાવીને સાંસદ બન્યા હતા. તેઓ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેમના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે.
49 વર્ષ સુધી રાજનીતિમાં 3 વખત મંત્રી રહ્યા
પ્રભાતસિંહ ચૌહાણે વર્ષ 1974માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને પોતાની 49 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ 3 વખત મંત્રી રહ્યા હતા. તેઓ પોતે જ્યોતિષના જાણકાર અને સામાજિક બાબતોના નિષ્ણાત હતા. પ્રભાતસિંહ અંતિમ શ્વાસ સુધી શારીરિક રીતે સ્વસ્થ રહ્યા, જોકે ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થઈ ગયું.
ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાલોલ બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રવધુ ભાજપમાં હોવાથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. આમ એક જ ઘરમાંથી પતિ કોંગ્રેસમાં તો પત્ની અને પુત્રવધુ ભાજપ માટે પ્રચાર કરતા હોવાથી ચૂંટણી વખતે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
ADVERTISEMENT