કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતમાં એક તરફ નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. લોકો નવરાત્રીનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. બાળકો થી લઈ વૃદ્ધો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી તરફ દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે. દશેરાના તહેવારને લઈને કચ્છ જિલ્લાના નખત્રાણામાં તાલુકાના બ્રહ્મ સમાજ દ્વારા રાવણ દહનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બહિષ્કારનું આ છે કારણ
કચ્છ જિલ્લાના નખત્રાણામાં તાલુકાના બ્રહ્મ સમાજે રાવણ દહનનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત તાલુકાના જ્ઞાતિ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં સમગ્ર તાલુકામાંથી કોઈપણ બ્રાહ્મણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ નહી લે તેમ નિર્ણય લેવાયો છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાવણ એક મહા શક્તિશાળી વ્યક્તિ હતો અને મહાદેવનો ઉપાસક હતો. તે અસુરી શક્તિ ધરાવતો હતો પરંતુ જન્મે બ્રાહ્મણ હતો, ભગવાન રામના હાથે મૃત્યુ થશે તેવો રાવણને શ્રાપ મળ્યો હતો. તે માટે તેમણે સીતાજીનું હરણ કરવાનું પગલું ભર્યું હતું. આ કારણે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી સૌ આગેવાનોએ એકસુરે વાત કરી હતી.
અન્ય તાલુકામાં વિરોધ માટે અનુરોધ
ઉલ્લેખનિય છે કે છેલ્લા 35 વર્ષથી નખત્રાણાના વથાણ ચોકમાં રાવણ દહન કાર્યક્રમ યોજાય છે. જેમાં તાલુકાના વિવિધ સમાજો-સંગઠનો સહયોગ આપે છે. પણ આ વખતે બ્રહ્મ સમાજ સહયોગ નહિ આપે. અને અન્ય તાલુકાઓમાં પણ રાવણ દહન કાર્યક્રમના વિરોધ માટે પણ બ્રહ્મ સમાજ નખત્રાણા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કલેકટરને પાઠવ્યું આવેદન
કચ્છ જિલ્લાના નખત્રાણામાં તાલુકાના બ્રહ્મ સમાજે રાવણ દહનનો બહિષ્કાર કર્યો છે. આ સાથે તેમણે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું કે, નખત્રાણામાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન ન કરવામાં આવે આ સાથે તેમણે જણાવ્યું કે, સ્પીકર કે બંદોબસ્તની પરવાનગી ન આપવા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT