બોટાદ: જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂની અસરથી અત્યાર સુધીમાં 40થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી એકલા ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં જ 18ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 90 જેટલા દર્દીઓને અહીં એડમિટ કરવામાં આવેલા છે. બીજી તરફ બોટાદ પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઝેરી દારૂ પીવાથી પિતાના મોત બાદ અનાથ થયેલા ચાર બાળકોને બોટાદ પોલીસે દત્તક લીધા છે.
ADVERTISEMENT
બરવાળાના દેવગણા ગામે કનુભાઈ સેખલિયાનું ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યું હતું. 40 વર્ષના કનુભાઈને ચાર સંતાનો હતા. પત્ની પણ તેમની સાથે નહોતા, એવામાં હવે કનુભાઈના મોત બાદ તેમના સંતાનો નોંધારા બની ગયા છે. ત્યારે બોટાદ પોલીસે માનવતા દાખવીને આ ચાર બાળકોને દત્તક લીધા છે. બીજી તરફ દેવગણા ગામમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. પોલીસ દ્વારા લઠ્ઠાકાંડની આ ઘટનામાં ગામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
બોટાદના બરવાળા તથા રાણપુરમાં ઝેરી દારૂની અસરના પગલે આખી રાત ટીમો કામે લાગી હતી. બરવાળામાં પાંચ તથા રાણપુરમાં ચાર ટીમો હાલમાં કાર્યરત છે. પોલીસ દ્વારા બોટાદની જનતાને અપીલ કરવામાં આવી હતી કે, જે લોકોને વોમિટિંગ થતું હોય, અંધારા આવતા હોય કે ચક્કર આવતા હોય તો પોલીસને જાણ કરે. પોલીસે તમામ ગામડાઓની બહાર જ એમ્બ્યૂલન્સ મૂકી છે. જેથી કોઈ વ્યક્તિને ઝેરી દારૂની અસર થાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી શકાય. બીજી તરફ પોલીસ દ્વારા કહેવાયું છે કે, જો કોઈ વ્યક્તિ બે-ત્રણ દિવસથી નોકરી ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે.
ADVERTISEMENT