હેતાલી શાહ, આણંદ: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. સાથે જ અવારનવાર પોલીસ દ્વારા રેડ કરી જુગાર રમતા જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવે છે. અને પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. તોપણ ગુજરાતમાં દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ થતી જ નથી ત્યારે આ દૂષણને નાબૂદ કરવા માટે આણંદ ટાઉન પીઆઇ એક સરાનીય કામગીરી કરી છે. જે હાલ આણંદમાં ખૂબ જ ચર્ચામાં આવી છે. આણંદ ટાઉન પીઆઇ આર એન ખાંટ દ્વારા બુટલેગરોને સૂચના આપવામાં આવી કે દારૂ જુગારનો ધંધો સદંતર બંધ કરી દો. અને અન્ય કોઈ વ્યવસાય શરૂ કરી દો અને જો વ્યવસાય કરવા સહાયની જરૂર હોય તો સહાય કરવાની પણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
આણંદ ટાઉન પોલીસ મથકે આણંદ ટાઉન પીઆઇ એમ કે ખાંટે 32 જેટલા બુટલેગરોને બોલાવ્યા હતા. જેનું મુખ્ય કારણ હતું, શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય. જે અંતર્ગત ટાઉન પીઆઈએ બુટલેગરોને દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરી અન્ય વ્યવસાય તરફ વળવા માટે સમજાવ્યા હતા. જેમાં તેઓ કહી રહ્યા છે કે જુગારને કારણે મહાભારત સર્જાયુ હતું . જુગાર રમીને કોઈ સુખી થયું નથી. તો દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગરોને જણાવ્યું કે દારૂ પીને લોકો પોતાના ઘરે મારઝૂડ કરતા હોય છે. ત્યારે હવેથી આ પ્રવૃત્તિ સદંતર બંધ કરવામાં આવે અને અન્ય વ્યવસાય તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો વ્યવસાય શરૂ કરવામાં નાણાંની જરૂરિયાત હોય તો તે નાણાંની પણ વ્યવસ્થા કરી આપવાની ટાઉન પીઆઈએ બાહેધરી આપી. તેમ છતાં પણ જો કોઈ પણ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઝડપાયા છે, તો તમામને પાસા હેઠળ અટકાયત કરીને કચ્છ, જુનાગઢ, પોરબંદર જવાની તૈયારી રાખવાનુ અલ્ટીમેટમ બુટલેગરોને આપ્યુ છે. જેને લઈને બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
પહેલ આણંદમા ચર્ચાનુ કેન્દ્ર
મહત્વનું છે કે જે પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારને દારૂ જુગાર, ડ્રગ્સ, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભીંસમાં લઈ રહી છે, ચૂંટણી પણ નજીકમા છે. તેવામાં આણંદ પીઆઈ દ્વારા આ સૂચના આપવામાં આવતા હવે આણંદમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ થાય છે, કે પછી આ ચીમકી માત્ર કામગીરી બતાવવા માટે આપવામાં આવી તે સમય આવે સામે આવશે. પરંતુ હાલ આ પહેલ આણંદમા ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે.
ADVERTISEMENT