ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજ્યમાં એક બાદ એક નકલી ડોક્ટરો બિલાડીની ટોપ ફૂટે એમ બહાર આવી રહ્યા છે. પૈસા માટે ડિગ્રી વિનાના આ ડોક્ટરો લોકોના જીવ સાથે રમતા પણ ખચકાતા નથી. બનાસકાંઠાના ધાનેરામાં નકલી ડોક્ટરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દવા માટે આવેલા દર્દી પર નકલી ડોક્ટર અને તેના પુત્ર દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં ડિગ્રી વિનાના નકલી ડોકટર અને તેના પુત્ર દ્વારા દવા લેવા ગયેલા દર્દી પર જીવલેણ હુમલો કરાયો હતો. દેવાભાઈ નામનો દર્દી દવા પરત આપવા જતા બોગસ ડોક્ટર અને તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને દર્દીને લાકડી અને ગડદા પાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ હુમલામાં દર્દી દેવાભાઈને માથામાં ઈજા પહોંચતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ ધાનેરા પોલીસે આ બોગસ ડોક્ટર કમલેશ શર્મા અને તેના BAMS પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બનાસકાંઠામાં એકબાદ એક આવા બોગસ ડોક્ટરો સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ આવા તત્વોને અટકાવવાના સ્થાને ઘોર નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT