Bharuch Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચા ભરૂચ લોકસભા બેઠકની છે. કારણ કે આ બેઠક પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે. તો કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર-પૂત્રીએ પણ ચૂંટણી લડવા માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. આ વચ્ચે હવે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ચૈતર આવે કે કોઈ પણ આવે આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર અમે 5 લાખ મતથી જીતીશું.
ADVERTISEMENT
‘અમારું લક્ષ્ય ભરૂચ બેઠક 5 લાખ મતથી જીતવી’
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનર અંગે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, એ એમની પાર્ટીનો વિષય છે, જેના બેનર લાગે એના લાગે અમારો તો એક જ લક્ષ્ય છે કે ભરૂચ બેઠક 5 લાખ મતથી જીતવી. અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડી છે.
ભૂતકાળમાં પણ કોઈ ફાવ્યા નથીઃ મનસુખ વસાવા
મુમતાઝ પટેલ અને આદિવાસી નેતા છોટુ વસાવા વચ્ચેની મુલાકાત પર મનસુખ વસાવાએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ છોટુભાઈએ ઘણા લોકોને સમર્થન આપ્યું છે પણ એવા લોકો ફાવ્યા નથી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પોતાના કરેલા કામોથી અને કોઈના સમર્થન વગર પોતાની તાકાતથી ભરૂચ લોકસભા બેઠક પર જીત નોંધાવશે. ભૂતકાળમાં પણ વિરોધ પક્ષો ભેગા થયા હતા, ત્યારેપણ કોઈ ફાવ્યા નહોતા.
મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે કરી હતી મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ભરૂચ શહેરમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ‘હું તો લડીશ’ લખેલા બેનરો લાગ્યા હતા તો બીજી તરફ ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું હતું. તે સમયે સ્થાનિકોએ પારિવારિક ઝઘડા તરફ ઈશારો કર્યો હતો.
(વિથ ઈનપુટ ગૌતમ ડોડીયા, ભરૂચ)
ADVERTISEMENT