Gujarat Politics: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ જામી હતી. તો હવે ભરૂચ અને નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર કમલમમાં પહોચી છે. બીજેપીના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી વોક આઉટ કર્યું.
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ ભાજપના ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વોક આઉટ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
બેઠકમાંથી નીકળી ગયા સાંસદ
મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા અને એક પછી એક જિલ્લાની બેઠકનો દોર ચાલતો હતો. પરંતુ ભરૂચની ચર્ચા થઈ જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોઈ કારણસર ચર્ચામાં ઘર્ષણ થયું હતું. જે સાંસદ મનસુખ વસાવાને પસંદ ના પડતાં તેઓ વડોદરા અને નર્મદાની ચર્ચા આવે એ પહેલા પાર્લામેન્ટરી બોર્ડમાંથી વોક આઉટ કરી બહાર નીકળી ગયા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે નર્મદા-ભરૂચની જૂથબંધી ગાંધીનગર સુધી પહોંચી છે. હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ જૂથવાદને ઠંડો પાડે એ જરૂરી છે.
મનસુખ વસાવાએ કેમ કર્યું વોકઆઉટ?
સાંસદ મનસુખ વસાવા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, એવું કંઈ નથી. અમારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર કમલમ ખાતે હતી. જેમાં ચર્ચા પછી હું બહાર નીકળી ગયો હતો. કેમ આવું થયું એ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએથી કેટલાક નેતાઓ પાટીલ સાહેબને મારા વિશે ખોટું બોલી ગેરમાર્ગે દોરી રહ્યા છે. જોકે હું પાર્ટી માટે, કાર્યકરો માટે સતત કામ કર્યું છું. કેટલીક અન્ય પાર્ટીઓના લોકોને જોડાવા બાબતે ચર્ચા થઈ હતી. રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાબતે પણ હું જ્યાં ગયો સિવિલ સુપ્રિટેન્ડેન્ટને વાત કરી, દેડીયાપાડા હોસ્પિટલની વાત કરી. સરકારે ખુલાસો કર્યો કે ડોકટરોની ભરતી બાકી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજકાલ પાર્ટીમાં આવ્યા છે તેવાને બહુ મહત્વ મળે એ વ્યાજબી ન કહેવાય અને વર્ષોથી પક્ષમાં જોડાયેલા હોય તેમની મેં વાત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક મને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરું તેવો ખોટો ચીતરે છે. જે બાબતે મારે બોલવાનું થયું હતું. ત્યારે હું પણ આવા નેતાઓ શોધું છું કોણ કોણ મારા વિરુદ્ધ પક્ષમાં કામ કરે છે. મેં રજુઆત કરી હતી કે પક્ષના સિનિયરોને પ્રાધાન્ય તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પ્રાધાન્ય આપવું જોઈએ તેવો મારો મત રજૂ કર્યો હતો.
(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT