નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર IAS સ્તુતિ ચારણ સામે ગેરરીતિની ફરિયાદ થઈ છે. ભાજપના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કલેક્ટર કચેરીમાં રૂપિયાની લેતી દેતી વિના કોઈ કામ થતું નથી. જમીનની માપણી અંગે પણ ખેડૂતોને ઉડાઉ જવાબ મહેસુલ અને જમીન માપણી વિભાગ દ્વારા આપવામાં આવે છે. ત્યારે સાંસદ દ્વારા કલેક્ટરને પત્રમાં અરજીઓનો પાંચ દિવસમાં નિકાલ કરવા માટે ચીમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT
શું લખ્યું છે પત્રમાં?
ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ લખેલા પત્રમાં લખ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં મહેસુલ શાખા અને જમીન માપણી માટે ભારે ગેરરીતીની ફરિયાદ થઈ આવી છે. આપ બેપરવાહ હોય તેમ જણાય છે. જિલ્લાની પ્રજા આખરે ક્યાં જાય આપ જિલ્લાના વડા છો. આપના હસ્તકની કચેરીમાં રૂપિયાની લેતી દેતી વિના કોઈ કામ થતું નથી તેવું જણાય આવે છે. આપના હસ્તકની મહેસુલ શાખા દ્વારા ખેડૂત ખાતેદારોને ખેડુત ખરાઇના દાખલા મેળવવા માટે લાખો રૂપિયાની લેતી દેતીનો આક્ષેપ એક પ્રતિષ્ઠિત નિવૃત કર્મચારી જમીલખાન પઠાણ, નિવૃત ફોરેસ્ટ ઑફીસર તેમજ એક સામાન્ય ખેડૂત ખાતેદાર દ્વારા કરવામાં આવેલ છે. જેની કોપી આ સાથે સામેલ છે.
પત્રમાં આગળ લખ્યું છે, આ સિવાયના જમીન માપણી માટે ઘણા ખાતેદારોની અમોને ઘણી મૌખિક રજૂઆત મળે છે કે ઓનલાઇન અરજી કર્યા પછી પણ જમીન માપણીવાળા ઉડાવ જવાબ આપીને આવતા નથી. આપનો વહીવટીતંત્ર સાથે કોઈ તાલ મેલ નથી તેમ જણાય છે. માટે સામેલ પત્રનો દિન પાંચમાં નિકાલ કરી તાત્કાલિક વહીવટી સુધારવા વિનંતી છે.
ADVERTISEMENT