ખેડા: ખેડામાં માતરના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ મળી આવતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા વિજય ઉર્ફે પ્રિતેશ પરમારના ભલાડા ગામના ઘરમાંથી ખેડા LCBએ રૂ.21.49 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે ધારાસભ્યના ભત્રીજા સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તથા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 12 વ્યક્તિ સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભલાડા ગામે રહેતા વિજય ઉર્ફે પ્રિતેશ પરમારના ઘરે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતર્યો છે. જેથી LCBની ટીમ ત્યાં તપાસ માટે રવાના થઈ હતી. વિજય પરમારના ઘરમાં રેડ પાડતા અંદરથી 7,140 દારૂની બોટલ મળી આવી હતી. દરમિયાન ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા વિજયને પોલીસે ઝડપી લીધો હતો. આ સાથે ગોવિંદ પ્રજાપતિ નામના વ્યક્તિને પણ પકડી લેવાયો હતો. બંનેને પકડીને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
આમ ખુદ ધારાસભ્યનો ભત્રીજો જ બુટલેગર નીકળતા રાજકીય વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે આરોપી પાસેથી મળેલો દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને તે કોને આપવાનો હતો તે સહિતની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(વિથ ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT