Gujarat Politics: ગુજરાતના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે મોડી રાત્રે ગાંધીનગરમાં કેન્દ્રિય ગૃહમંત્રી, મુખ્યમંત્રી તથા ભાજપના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. સૂત્રો મુજબ, રાત્રે 12 વાગ્યે શરૂ થયેલી આ બેઠક સવારે 5 વાગ્યા સુધી ચાલી હતી. આ બાદ હવે ભાજપ સંગઠન, બોર્ડ-નિગમને લઈને ચર્ચા થયાની સંભાવના છે.
ADVERTISEMENT
બેઠકમાં શું ચર્ચા થઈ?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ગાંધીનગરમાં મોડી રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના ટોચના આગેવાનોની બેઠક મળતી હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સવારે 5 વાગ્યા સુધી ચાલેલી આ મેરાથોન બેઠકથી કંઈક નવાજૂનાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત ભાજપના સંગઠત તથા બોર્ડ-નિગમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. સૂત્રો મુજબ, નવરાત્રીમાં જ આ અંગે નવા સમાચાર આવવાની સંભાવના છે.
4 દિવસ પહેલા CM-પાટીલ દિલ્હી હતા
ખાસ છે કે, 4 દિવસ પહેલા જ મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હીની મુલાકાતે ગયા હતા. અહીં તેમની PM મોદી સાથે બેઠક થઈ હતી. જે બાદ હવે ગુજરાતમાં અમિત શાહ સાથે તેમની મુલાકાત લોકસભાની ચૂંટણી પહેલા અનેક સૂચક સંકેતો આપી રહી છે. ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ સમગ્ર રાજ્યમાં ભારે સસ્પેન્સ સાથે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. હવે આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT