અરવલ્લી : એક કહેવત છે કે, પૈસા હોય તો આ દેશમા તમે ગમે તે કરી શકો છો. આવુ જ કંઇક અરવલ્લીના માલપુરમાં જોવા મળ્યું હતુ. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મૌલિક ચોધરીએ દારૂ સાથે ઝડપાયેલા ભાજપના નેતાને બચાવવા માટે મીડિયા સાથે ગેરવર્તણુંક કરી હતી. પીઆઇ પોતાની સંવૈધાનિક ફરજ પણ ભુલી ગયા હતા. પોલીસ નેતાજીને બચાવવામાં એવી તે કામે લાગી કે વીડિયોમાં નેતાજી ગાડી બચાવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છતા નેતાજીનું ફરિયાદમાં ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો. ગાડી અને માલને બિનવારસી જાહેર કર્યો છે. જેના પરથી ગુજરાત પોલીસ ચૂંટણી જેવા સમયે પણ કેટલી ગંભીર રીતે ફરજ બજાવે છે તે સ્પષ્ટ થઇ રહ્યું છે.
ADVERTISEMENT
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના નેતાજી દારૂ ભરેલી ગાડી લઇને આવી રહ્યા હતા. જો કે માલપુર પોલીસ તો હંમેશાની જેમ ગાંધીજીના વાંદરાનું સ્વરૂપ ધારણકરીને બેઠી હતી. જો કે નાગરિકો પણ હવે જાગૃત થઇ ચુક્યા છે. ભાજપના નેતાજીને પકડી લેતા પોલીસ ગુસ્સે ભરાઇ હતી. અંધેરીનગરીને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો હતો. પોલીસ નેતાજી દારૂ સાથે ઝડપાતા લાજવાને બદલે નાગરિકો પર ગાજી હતી. જો કે મીડિયા પહોંચી જતા પોલીસ નેતાજીને છાવરવાની પોતાની મુખ્ય ફરજમાં નિષ્ફળ રહી હતી. જેથી પોતાનો રોષ મીડિયા પર જ ઠાલવ્યો હતો. કવરેજ કરી રહેલા મીડિયા કર્મચારી સાથે દાદાગીરી કરી હતી. ગેરવર્તણુંક કરીને તેમનો ફોન છિનવી લીધો હતો. જેથી તેમાં વીડિયો કે ફોટો જેવો કોઇ પુરાવો ન રહે અને પોતાના પ્રિય નેતાજીને બચાવવા માટે છેલ્લો મરણીયો પ્રયાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અણિયોર ગામે પોલીસના નાક નીચે સ્થાનિકોએ દારુ ભરેલી જીપ જઇ રહી હતી ત્યારે આ બહાદુર પોલીસ ક્યાં હતી તે અંગે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. દારૂ પકડાયા બાદ ઘટના બાદ માલપુર પોલીસ સ્ટેશન ખાતે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીને કવરેજ કરતા અટકાવી દેતા મામલો ગરમાયો હતો. પોલીસ અધિકારી મૌલિક ચૌધરીએ મીડિયા કર્મીનો મોબાઈલ છીનવી અસભ્ય વર્તન કર્યું હતું. પોલીસ અધિકારીએ દોષીતો સામે પાવર બતાવવાના બદલે મીડિયા કર્મી ને ટાર્ગેટ કરતા પોલીસની આબરૂના વધારે એક વખત ધજાગરા ઉડ્યા છે. જો કે મામલો પોલીસના ઉચ્ય અધિકારી સુધી પહોંચતા અધિકારીએ શાનમાં સમજાવી દીધું હતું કે, મામલો ખુબ ઉપર સુધી પહોંચી ગયો છે અને હવે આપણા હાથમાં કંઇ જ રહ્યું નથી. ત્યારે ભારે હૈયે પીઆઇએ મીડિયા કર્મચારીને પોતાનો ફોન પરત કર્યો હતો. જો કે પોતાના નેતાને બચાવી નહી શકવાનો ખેદ આખા પોલીસ સ્ટેશનને હોય તેવું લાગી રહ્યું હતું. જો કે પોલીસે પોતાના આખરી પ્રયાસના ભાગરૂપે ફરિયાદમાં નેતાજીનું નામ દાખલ નથી કર્યું. જેથી પોતાના નેતાઓને બચાવી શકાય.
અરવલ્લીઃ અરવલ્લીમાં સ્થાનીક યુવાનોને મળેલી માહિતીને આધારે તેમણે એક કાળા રંગની સ્કોર્પિઓ કાર અટકાવી હતી. પોલીસ અને તંત્રને કરવાનું કામ લોકોએ કરી બતાવ્યું હતું. જોકે અહીં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારુ ભરેલી કાર મુકીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે સાથે જ કેટલાક વીડિયો પણ જે લોકોએ ઉતાર્યા તે પણ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપની ટોપી પહેરેલા વ્યક્તિ રાજુ પટેલ જિલ્લા બાજપ સંગઠનના પ્રમુખ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ કારને અટકાવી રહેલા લોકોને કારથી દુર કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમા બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનીક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે? તે પ્રશ્ન ઊભો થયો છે. આ દારુ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે. જોકે પોલીસ હવે સત્તાવાર રીતે શું જાહેર કરે છે તેના પર મીટ મંડાઈ છે.
ADVERTISEMENT