ગાંધીનગર: ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી ચોજાવાની છે. ત્રણ બેઠક માટેની ચૂંટણીમાં સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જય શંકર ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે આજે બાકીના બે ઉમેદવરાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાબુભાઈ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાને મેદાને ઉતાર્યા છે.
ADVERTISEMENT
ભાજપે રાજ્યસભાના બે ઉમેદવાર જાહેર કર્યા છે. બાબુભાઈ જેસંગભાઈ દેસાઈનું નામ જાહેર કરાયુ છે. તો બીજુ નામ કેસરીદેવસિંહ ઝાલા છે. રાજ્યસભાના ઉમેદવારોના નામની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાને રિપીટ કરવામાં નથી આવ્યા. રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા જ નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને ઉમેદવાર આજે બપોરે 2 કલાકે બંને નામાંકન ફોર્મ ભરશે.
જાણો કોણ છે બંને ઉમેદવાર
બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતનાં આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુ ભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. 2007માં કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના વારસદાર છે. અને ક્ષત્રિય સમાજનાં મોટા આગેવાન છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેસરીસિંહની ભૂમિકા મહત્વની રહી હતી.
ત્રણેય બેઠકો રહેશે ભાજપ પાસે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપનો કબજો યથાવત રહેશે.
જાણો ક્યારે છે ચુંટણી
કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પડ્યું હતું. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
આવનાર સમયમાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નહીં રહે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર રાજ્યસભામાં પણ પડશે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની 11 બેઠકો માંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.
ADVERTISEMENT