અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 166 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે જેમને કાપ્યા અને જે નવા ચહેરાઓને તક આપી તેમાં ઘણી બેઠક પર ખટરાગ શરૂ થયો છે. જોકે ભાજપમાં કડક અવાજે હાઈકમાન્ડ સામે પકડાર ફેંકી બતાવે તેવા નેતાઓની ઉણપ છે અને આવા નેતાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આવા જ કેટલાક નેતાઓની હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિર્ણયને પડકાર્યો છે અને હવે ચૂંટણીમાં કેસરીયો રંગ છોડીને અપક્ષ ઉમેદવારી સાથે નવા રંગે રંગાવાના છે. આ લીસ્ટમાં વાઘોડિયા, કરજણ અને પાદરા એવી ત્રણ વડોદરાની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ભાજપ ટિકિટમાં ફેરબદલ કરે તેની શક્યતા નહીવત્
ભાજપના જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં આમ તો 80થી વધુ કપાયા છે પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલાને લઈને તેઓ ભાજપની ઉચ્ચ નેતાગીરી સાથે વાત કરવાના છે પરંતુ ભાજપ થુકેલું ચાટે તે વાતમાં માલ નથી. મતલબ કે આ નેતાઓની રજૂઆતને ગ્રાહ્ય રાખી ભાજપ આપેલી ટિકિટ પાછી લઈ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાતમાં કોઈને વિશ્વાસ નથી. આ ઉમેદવારો પાર્ટીની સામે પડે તેવી સંપુર્ણ શક્યતાઓ છે.
વાઘોડિયા
સતત વિવાદો વચ્ચે રહેનારા વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastava)ની જગ્યા પર પાર્ટીએ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા પછી તેમની ઓફીસ પર તેમણે કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે વિચાર વિમર્સ કર્યા હતા જેમાંથી એવો નિષ્કર્સ આવ્યો કે તેમણે અપક્ષ ઉમેદવારી કરવી જોઈએ. વર્ષોથી તેઓ ભાજપમાં છે અને સતત જીતતા આવતા ધારાસભ્ય પણ છે. ભાજપ માટે આ સીટ સેફ સીટ જેવી છે. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી મેં પાર્ટી માટે કામ કર્યું પણ મારી કદર નાકરી. કાર્યકર્તાઓમાં ઘણી નારાજગી છે. જો પાર્ટીએ મને પહેલા કહ્યું હોત તો હું ટિકિટ ના માગતો, પણ હું પહેલવાનની જેમ ઉતરીશ અને અપક્ષ લડવાની ટેકેદારોની લાગણી છે.
પાદરા
પાદરામાં પણ પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (Dinesh Patel) કે જેમને લોકો દિનુ મામા રીકે ઓળખે છે તેમની પણ ટિકિટ કાપવામાં આવી છે. આ બેઠક પર તેઓ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ ક્યારે શું થયું કે દિનુ મામા એક તરફ થઈ ગયા. દિનુ મામા અગાઉ પણ ધારાસભ્ય રહી ચુક્યા છે અને બરોડા ડેરીના હાલના ચેરમેન પણ છે. તેઓ પણ અહીં મતદારોની વચ્ચે રહેનારા નેતાની છાપ ધરાવે છે. જોકે તેમની જગ્યાએ બીજા દાવેદાર તરીકે સામે આવેલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. દિનુ મામાનું નામ ટિકિટના લિસ્ટમાં ન દેખાતા અહીં ગરમા-ગરમી થઈ ગઈ છે. હવે દિનુ મામા કહે છે કે હું 17મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરીશ અને પાદરા બેઠક પરથી જ ભરીશ. આ બેઠક પરથી હું જંગી મતોથી જીત પણ મેળવીશ. મતલબ કે દિનુ પટેલે આ બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે ભલે પાર્ટીએ ટિકિટ ન આપી.
કરજણ
વડોદરાની કરજણ બેઠક પર શક્તિશાળી નેતા તરીકેની છાપ ધરાવતા પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા (Satish Nishaliya) ટિકિટ નહીં મળતા નારાજ થયા છે. ભાજપે નિશાળિયાને અહીં પડતા મુકીને અક્ષય પટેલને ઉમેદવારી કરાવી છે. અહીં સુધી કે પોતાના કાર્યાલય પરથી સતિષ નિશાળિયાની તસવીરોને હટાવી લેવામાં આવી છે, બેનર્સ હટી ગયા છે. પોતાની નજર સામે તેમની થતી બાદબાકી તેમને સહન થઈ નથી. તેમણે પણ પાર્ટી સામે બંડ પોકારી દીધો છે. પોતાના સમર્થકો સાથે ચર્ચાઓ પછી હવે તેઓ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચાઓ કરી રહ્યા હોવાની વિગતો ચાલી રહી છે. અટકળો એવી લગાવાઈ રહી છે કે તેઓ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડશે અને તે પણ કરજણ બેઠક પરથી. જોકે તેઓ અહીં ચૂંટણી લડે તો અક્ષય પટેલ માટે આ બેઠક પર મોટો પડકાર બની શકે તેમ છે. હાલ તેઓએ અપક્ષ ઉમેદવારીને લઈને સ્પષ્ટતા કરી નથી.
ADVERTISEMENT