મતદાનની આગલી રાત્રે ભાજપે પોતાનાઓ જ સામે કરી લાલ આંખઃ સસ્પેન્ડ થયા નેતા-કાર્યકરો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાનથી યોજાઈ છે. આવતીકાલે સોમવારે બીજા તબક્કાનું એટલે કે અંતિમ મતદાન છે તે પહેલા જ ભાજપે પોતાના જ નેતા…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાનથી યોજાઈ છે. આવતીકાલે સોમવારે બીજા તબક્કાનું એટલે કે અંતિમ મતદાન છે તે પહેલા જ ભાજપે પોતાના જ નેતા કાર્યકરો પર આકરા થઈને સસ્પેન્ડ કરી દેવાના નિર્ણયો કર્યા છે. 93 બેઠકો પર સોમવારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. હવે નેતાઓએ બસ જોવાનું છે અને મતદારોએ પોતાનો નિર્ણય કરવાનો છે કે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા કોણ સંભાળશે. જોકે આ ચૂંટણીમાં જ્યારે પ્રચાર પ્રસારની કામગીરીઓ ચાલુ હતી ત્યારે ભાજપના ધ્યાને આવ્યું છે કે કેટલાક પોતાના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા કામો કર્યા છે. જેમાં પંચમહાલ જિલ્લા પર ભાજપે મોટી કાર્યવાહી કરી છે.

પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સસ્પેન્ડ
ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપમાં પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કુલ છ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે. મતદાન પુર્વે જ ભાજપે લાલ આંખ તેમને બતાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉચ્ચ નેતાગીરીએ ચૂંટણીની કામગીરી પુરી થવા સુધીની પણ રાહ જોઈ નથી અને સડસડાટ કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિત છ જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. હાલોલ અને જાંબુઘોડા વિસ્તારના પણ કેટલાક સક્રિય કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટીલે એક દિવસ પહેલા જ આપી હતી ગર્ભિત ચેતવણી
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કહેવું હતું કે, ભાજપમાંથી કેટલાક નેતાઓ કાર્યકરોએ પક્ષ વિરોધી કામગીરી કરી તે પક્ષના ધ્યાને આવી છે. પક્ષે તેમને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી પણ કરી છે. જોકે જો તે નેતાઓ એવું સમજતા હોય કે ચૂંટણી લડીને જીતીને પાછા આવી જઈશું તો ચૂંટણી જીત્યા પછી પણ તેમને પક્ષમાં લેવાશે નહીં. અમે ગેરશિસ્ત બિલકુલ ચલાવી લેવાના નથી.

    follow whatsapp