હેતાલી શાહ.નડિયાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડિજિટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી છે. આ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. જોકે અહીં એટલું તો કહેવું રહ્યું કે પ્રચાર કરવામાં પંકજભાઈ નરેન્દ્રભાઈ કરતાં પણ બે ડગલા આગળ જતા રહ્યા છે. અહીં લોકોએ પણ આ પ્રચારની પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
સૌપ્રથમ શરૂઆત નડિયાદથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, અને તેઓનું સપનું છે કે, ભારત ડિજિટલ બને અને એટલા માટે જ ગત વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. જોકે ઈન્ડિયા ડિજિટલ કેટલું થયું તે તો ચર્ચાનો વિષય છે પરંતુ નડિયાદના ધારાસભ્ય ડિજિટલ થઈ ગયા છે. ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. હાલમાં રોબોટનું ચલણ શરૂ થયું છે, પરંતુ આ ડિજિટલ રોબોટ ચૂંટણીના પ્રચારમાં વાપરવાની સૌપ્રથમ શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પરથી કરવામાં આવી છે.
કોણે બનાવ્યો રોબો…
આ અંગે ડિજિટલ રોબોટને પ્રચારમાં લાવવા માટેની ટીમના સદસ્ય હર્ષિલ પટેલ જણાવી રહ્યા છે કે, ” આ કોન્સેપ્ટ છે એમાં એક રોબોટ છે એ રોબોટ દ્વારા આપણે અત્યારે એના દ્વારા હાઇ ટેક પ્રચાર કરી રહ્યા છે 2014 થી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમનો એક ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ ચાલુ થયો છે અને અમે પણ ડિજિટલ ઇન્ડિયામાં કંઈક નવું કરીએ ત્યારે અમારી સાથે કારોબારીમાં કે ધ્રુવ પંડિત કરીને છે એમની ખાસ ઓળખ હતી. એમણે સુધારા વધારા કરીને ખાસ રોબોટ બનાવ્યો છે અને ખૂબ મહેનતે આ એક રોબોટ બન્યો છે અને એ ધ્રુવભાઇની મહેનતે આ એક રોબોટ બન્યો છે ત્યારે અમારું આઈટી સેલ ભારતમાં નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રયોગ દ્વારા અમે સૌને પેમ્પલેટ આપી રહ્યા છે અને રોબોટને અમે પ્રચાર પ્રસારનું માધ્યમ બનાવ્યું છે. આ રોબોટમાં અમે ઉમેદવારના કામગીરીના પેમ્પલેટ છપાવ્યા છે જે મૂક્યા છે સાથે જ ચૂંટણીના સ્લોગન પણ આમાં ફીટ કર્યા છે જે બોલશે એટલે હાઈ ટેક ડિજિટલ ચૂંટણી પ્રચાર આના થકી કરવામાં આવશે.”
પંકજ દેસાઈએ રોબો અંગે શું કહ્યું…
અંગે જ્યારે અમે નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે,” અમારા આઈટી સેલના પ્રમુખ છે મધ્ય ઝોનના હર્ષિલભાઈ એમણે આ એક રોબોટ એમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અને આ રોબોટ વર્ક કરી રહ્યો છે. પ્રચાર પ્રસાર કરી રહ્યો છે અને બધાની પાસે ઊભો રહેશે અને લોકો પેમ્પલેટ લઈ શકે અને વાંચી શકે એ પ્રમાણે કામ કરી રહ્યું છે. સાથે જ સ્પીકર દ્વારા જુદા જુદા વિસ્તારમાં મારા દ્વારા જે કામો થયા છે તે પણ લોકોને સંભળાશે અને જ્યાં અમારી વિધાનસભાનું કાર્યલય છે જે લોકો આવશે એમાં આ રોબોટ ફરશે અને પ્રચાર કરતો રહેશે. હાલમાં અમારી વિધાનસભામાં એક રોબોટ અમે પ્રચાર પ્રસાર માટે મુક્યો છે. હાઈટેક રોબોટ છે અને લોકોને કંઈક નવું મળ્યું છે અને આ એક નવો વિષય છે એટલે લોકોની વચ્ચે આ સારો લોકપ્રિય બન્યો છે.
મહત્વનું છે કે હાઈ ટેક યુગમાં હવે ચૂંટણી પ્રચાર પણ હાઈટેક બની રહ્યુ છે. પહેલા સોશિયલ મીડિયા અને હવે હાઇટેક ટેકનોલોજીથી બનેલું ડિજિટલ રોબોટ અને તેના થકી પ્રચારનો આ નવો કોન્સેપ્ટ નડિયાદ વિધાનસભામાં શરૂ થયો છે. જેને લઇને હાલ તો આ રોબોટિક પ્રચાર નડિયાદ વિધાનસભામાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.
ADVERTISEMENT