નર્મદાઃ છોટાઉદેપુર અને તેમાં પણ કેટલાક વિસ્તારો જેવા કે કવાંટ, પાવી જેતપુર સહિતના વિસ્તારોમાં પીવા, ખેતી સહિતના કાર્યો માટેના પાણીને લઈને ઘણી મુશ્કેલીઓ હાલ પણ છે. આ વસ્તારો સુધી હજુ નર્મદાના પાણી પહોંચ્યા નથી તેથી છોટા ઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સંસદના શિયાળુ સત્રમાં આ અંગે માગ કરવામાં આવી હતી. તેમણે સરકાર પાસે છોટાઉદેપુર માટે પાણી માગ્યું હતું.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં વરસાદ સિવાય કોઈ વિકલ્પ નથી
તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, આપણે પીવાનું પાણી પુરા ગુજરાતને આપવામાં સક્ષમ થઈ રહ્યા છીએ, પરંતુ સરદાર સરોવર મુખ્ય કેનાલના પૂર્વ ભાગના તમામ વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, બોડેલી, જેતપુર ક્ષેત્રોમાં ખેતીની સિંચાઈ માટે આજે પણ વરસાદી પાણી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. ખેતીના માટે વરસાદ પર જ નિર્ભર રહેવું પડે છે.
પૂર્વ ભાગને પણ પાણી મળે તો ખેડૂતોને ફાયદોઃ ગીતાબેન
તેમણે કહ્યું કે, વરસાદ ન થાય તો ખેડૂત ભાઈઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમના પાક યોગ્ય રીતે થતા નથી. જ્યારે પશ્ચિમના ભાગમાં સૌરાષ્ટ્ર સુધી જનારી મુખ્ય કેનાલથી ખેતીની સિંચાઈ માટે પાણી અપાઈ રહ્યું છે. જો પૂર્વ ભાગમાં ખેતી માટે સુવિધા આપી શકાય તો નિશ્ચિત રીતે ખેડૂતો માટે લાભકારી રહેશે. મારો આગ્રહ છે કે, સૌરાષ્ટ્ર સુધી જનારી મુખ્ય કેનાલથી પૂર્વ ભાગમાં ખેતીની સિંચાઈ માટે સુવિધા આપવામાં આવે જેનાથી તેનો ફાયદો અમારા લોકસભા વિસ્તારના ખેડૂત ભાઈઓને મળી શકે.
(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT