અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અમિત શાહ દ્વારા જાહેર સભા ગજવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહીં જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે હું પણ અમરાઈવાડીનો એક સમયે ધારાસભ્ય રહી ચુક્યો છું, કદાચ તમને ખ્યાલ હશે. અમરાઈવાડી સાથેનો તેમનો જુનો સંબંધ તેમણે આ પ્રમાણે યાદ કરાવ્યો હતો. ધર્મને લઈને અને કરફ્યૂને લઈને ફરી અમિત શાહે જાહેર સભાને સંબોધી હતી. તેમણે રથયાત્રા દરમિયાન થતા પથ્થરમારાને યાદ અપાવ્યો હતો. જુની વાતોને યાદ અપાવીને તેમણે મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઉપરાંત અમદાવાદમાં ચોમાસામાં ભરાતા પાણી અંગે પણ તેમણે વાત કરી હતી.
ADVERTISEMENT
હું અડધા અમરાઈવાડીનો 20 વર્ષ ધારાસભ્ય હતોઃ શાહ
અમિત શાહે મંગળવારે અમરાઈવાડીમાં ભાજપ ઉમેદવાર ડો. હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો હતો. કહ્યું હતું કે, બહુ ટાઈમ પછી હું અમરાઈવાડી આવ્યો છું, કદાચ તમારાથી અડધા અમરાઈવાડીને ખબર નહીં હોય કે હું અડધા અમરાઈવાડી વિસ્તારનો 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચુક્યો છું સરખેજમાં, અહીંના 39 બુથ મારા મતવિસ્તારમાં આવતા હતા. પરંતુ જ્યારે અમારે જગદીશ ચૂંટણી લડ્યો ત્યારે મારે આવવાનું રહી ગયું હતું. આ વખતે હું અહીં જ હતો ત્યારે થયું કે અમરાઈવાડી વાળાઓને જઈને જય શ્રીરામ કહી આવીએ. અમદાવાદ શહેરના મતદારો 5મી તારીખે પોતાનો મત આપવાના છે, તમે એવું ના માનીને ચાલતા કે મત આપીએ કે ના આપીએ ભાજપ જીતવાનું છે. ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા મતદાન કરવાનું છે. તમારા એક મતથી ગુજરાત અને ભાજપ, ભારત શાંત, સમૃદ્ધ બનવાનો ફરી પાયો નખાવાનો છે.
અમદાવાદમાં મારા સ્કૂટર પણ બંધ થઈ જતાઃ શાહ
તેમણે કહ્યું કે, જ્યારે ચોમાસુ આવે ત્યારે અમદાવાદમાં ઈસનપુરમાં મારું ગોડાઉન હતું, હાટકેશ્વરમાં મારા પણ સ્કૂટર ઘણી વખત બંધ થઈ ગયા હતા. કીક મારી મારીને થાકી જઈએ, પાણી ભરાઈ જાય, પ્લગ સાફ કરવો પડે. આજે નીચાણ વાળા હાટકેશ્વર ચાર રસ્તા પર ઓવરબ્રીજનું નિર્માણ કર્યું. કોઈ જુવાનીયાને કીક ના મારવી પડે તેવું અમદાવાદ નરેન્દ્રભાઈએ બનાવ્યું છે. આ પરિવર્તન ભાજપની સરકારે કર્યું છે.
હું અહીં જુનું અમદાવાદ યાદ અપાવવા આવ્યો છુંઃ શાહ
હું અહીં જુનું અમદાવાદ યાદ અપાવવા આવ્યો છું અહીં રાધીકા જીમ ખાનામાં જાહેરમાં એકે-47 રાયફલ ચાલતી હતી. અમદાવાદમાં માફિયાઓનું રાજ હતું, યાદ છે કે ભુલી ગયા છો. આ કોંગ્રેસીયાઓના રાજમાં 365 દિવસમાં 250 દિવસ કરફ્યૂ રહેતો હતો. અને રોજ સ્ટેબિંગ થઈને જવા વાળાઓની વીએસ અને સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગતી હતી. અમે બ્લડ ડોનેશન કરવા વાળાઓને લઈને દોડા દોડી કરતા હતા. કોમી હુલ્લડો કરવા વાળાઓ પર ચાર હાથ હતા. દસ વર્ષમાં કોમી રમખાણોની બીકે ચાર વાર રથયાત્રા બહાર નીકળવા ન્હોતી દીધી. પ્રેમ દરવાજા, શાહપુર આવે પથ્થરમારો થાય, રમખાણો થાય તેવા વાતાવરણમાં અમદાવાદ શહેરે વર્ષો કાઢ્યા. આજે ભાજપનું રાજ છે શાન સાથે રથયાત્રા નીકળે છે કોઈનો કાંકરીચાળો કરવાની હિંમત થતી નથી. 2002માં રમખાણો કરનારાઓને જે પાઠ ભણાવ્યો તે ઘડી અને આજનો દિવસ અમદાવાદમાં કરફ્યૂ નથી થયો. ગુજરાતને કરફ્યૂ મુક્ત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
ADVERTISEMENT