બનાસકાંઠાઃ ગુજરાતમાં એક સમયે મુખ્યમંત્રી એવું કહેતા હતા કે ગુજરાતમાં ક્યાંય દારુ મળતો નથી, જે દાવાઓ પછી લઠ્ઠાકાંડ પણ થયો છે અને લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં દારુ બંધીને કાગળ પર જેટલી કડક બનાવવામાં આવી છે તેટલી જ તેના અમલવારીમાં શીંડા પડેલા જોવા મળે છે અને તેને કોઈ નકારી પણ શકે નહીં તેવું સત્ય છે. ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર પોતે જીત્યા પછી ટોપલામાં દારુ વેચાવડાવીશ તેવી જાહેરાત કરતા જોવા મળ્યા હતા. જેમના વીડિયોને જોઈ ફરી દારુબંધી અને તેની અમલવારીની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. સાથે જ મતદારોને દારુ મામલે લલચાવનારા નેતા સામે ક્યારે એક્શન લેવાશે તેની પણ વાટ જોવાઈ રહી હતી. જોકે તેની શરૂઆત થઈ ચુકી છે. આ ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે.
ADVERTISEMENT
શું હતો બનાવ
બનાસકાંઠાના દાંતા વિધાસનભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો હતો. જોકે નેતાજી વાયરલ એટલે થવા લાગ્યા હતા કે તેમનું ભાષણ દારુબંધીના લીરેલીરા ઉડાવી રહ્યું હતું. તેઓ મતદારોને આકર્ષવા વીડિયોમાં દેશી દારુ અને વિદેશી દારુ બંને મામલે કહે છે કે મારી બેન સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ. ઉલ્લેખનીય છે કે નેતા અને પ્રજા વચ્ચે હાલ જ્યાં શિક્ષણ, આરોગ્ય, મોરબીની ઘટના, કોરોના, ડ્રગ્સ, મોંઘવારી, વિકાસ વગેરે મુદ્દાઓને લઈને વાતો કરી રહ્યા છે. હમણા જ કોંગ્રેસના એક તાલાલાના ઉમેદવારે પોતે ચૂંટણી જીતશે તો ધારાસભ્યને મળતો પગાર નહીં લે, આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ચૂંટણી જીતશે તો પક્ષ પલટો નહીં કરે વગેરે જેવી જાહેરાતો કહી છે ત્યાં ભાજપના આ નેતાએ તો ચૂંટણી જીત્યા પછી ખુલ્લેઆમ દારુ વેચાવશે તેવો વાયદો કરી નાખ્યો છે. ત્યાં ભાજપના ઉમેદવાર ખુલ્લેઆમ દારુ વેચાતો થઈ જશે તેવા વચનો આપીને લાલચ આપી રહ્યા હતા પરંતુ તેમને આ થોડું ભારે પડી જાય તેવું થઈ ગયું છે.
ભાજપ ઉમેદવાર સામે ફરિયાદ
ગુજરાતની 10 દાંતા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાધુ પારઘીએ ગત 26 નવેમ્બરે દાતાના પાસે આવેલા કનબીયા વાસ ગામમાં લોકો સામે પ્રચાર કરતા દારુ ટોપલામાં વેચાવડાવીશ તેવું કહેતા વીડિયો વાયરલ થઈ ગયો હતો. તંત્રના હાથે આ વીડિયો લાગ્યો અને તે પછી તપાસ કમિટિ બેસાડી દેવામાં આવી હતી. દાતા વિસ્તારના મામલતદાર હર્ષાબેન રાવલે આજે દાતા પોલીસ મથકમાં ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવાર સામે કાર્યવાહીની માગ અને ચર્ચાઓ થઈ રહી હતી તે વચ્ચે જ્યારે કમિટિએ તેમના સામે ફરિયાદ દાખલ કરી છે તે પણ હવે ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના કાર્યકરોનો સાડીઓ અને પૈસા વિતરણના કથિત વીડિયો પણ વાયરલ થયા હતા.
(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT