સી આર પાટીલનો સ્ફોટક ઈન્ટરવ્યૂઃ જાણો મધુ શ્રીવાસ્તવ સહિત, EWS અંગે શું કહ્યું

અમદાવાદઃ પંચાયત ગુજરાતના આજતકના કાર્યક્રમમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે સીધા સવાલ અને જવાબ થયા હતા. આ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ઘણી…

gujarattak
follow google news

અમદાવાદઃ પંચાયત ગુજરાતના આજતકના કાર્યક્રમમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે સીધા સવાલ અને જવાબ થયા હતા. આ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ઘણી બધી બાબતોમાં સ્ફોટક નિવેદનો આપ્યા હતા. જેમાં તેમણે રેકોર્ડ તોડ જીતથી લઈને આમ આદમી પાર્ટી સંદર્ભે પણ વાત કરી હતી. સાથે જ તેમને સુપર સીએમ કેમ કહેવાય છે તેનો પણ જવાબ આપ્યો હતો. તેમણે રાજકારણની ઘણી બાબતો મામલે સ્પષ્ટતાઓ કરી હતી. તો આવો જાણીએ તેમણે આ કાર્યક્રમમાં કેવી વાત કરી છે.

સુપર સીએમ કેમ કહે છે તમને?
તેમણે કહ્યું કે, મને એક જ માણસ સુપર સીએમ કહે છે જે મારાથી ડરે છે. હું મારા કાર્યકર્તાઓને પણ કહું છું કે તેમનું નામ ન લેશો, હું પણ લેવા માગતો નથી. જો કોઈ સાબીત કરી બતાવે કે હું ક્યાંય સરકારના કામમાં ઈન્વોલ્વ હોઉં છું, કે કોઈ અધિકારીને ક્યારેય કામ કરવા અંગે સલાહ આપતો ફોન કર્યો નથી. ભાજપમાં મળેલી મને જવાબદારીમાં મેં જેટલા નિર્ણય કર્યા તે મારા નિર્ણય બદલ્યા નથી. જેટલા ઈલેક્શન થયા તેમાં પરિણામ લાવી શકે છે તે મારી સાથે ઊભા છે.

ટિકિટની નારાજગી અંગે બોલ્યા સીઆર
ટિકિટ આપતા પહેલા જ સંકલ્પ કર્યો હતો કે પાર્ટી જેને પણ ટિકિટ આપે તેમાં હું ક્યારેય પાર્ટીને કોઈની ટિકિટ કાપવાનું નહીં કહું, કે કોઈને આપવાનો આગ્રહ નહીં કરું. અમારી પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગ ચાલી હતી તેમાં મેં એક પણ નામ માટે ભલામણ કે વિરોધ કર્યો ન હતો. હું બાયસ થઈ જઈશ તેવું ના થાય તેથી મેં પહેલાથી જ નક્કી કર્યું હતું. નેતાઓના હું નહીં લડું ચુંટણી નિવેદનો ચાલ્યા તેના અંગે તેમણે કહ્યું કે તે તેમનો પોતાનો નિર્ણય હતો. આર સી ફળદુએ તો મને ત્રણ મહિના પહેલા જ કહ્યું હતું.

મધુ શ્રીવાસ્તવ અને બીજા નારાજ નેતાઓ અંગે કહ્યું…
મધુ શ્રીવાસ્તવ અંગે તેમણે કહ્યું કે, મધુ શ્રીવાસ્તવ નહીં હજુ પણ બે ત્રણ છે, જોઈ લે જો શું કરે છે. તેમને પાછળથી વિચાર આવશે, એવું મને લાગે છે. કારણ કે પાર્ટી ન છોડવી જોઈએ તેનો વિચાર આવશે. કારણ કે છ છ વખત પાર્ટીએ ટિકિટ આપી છે. તો પાર્ટીનો નિર્ણય તેમને સ્વિકારવો જોઈએ. મધુ શ્રીવાસ્તવની ઈમેજ દબંગ માણસ છે પરંતુ તેમની સામે કરપ્શનની એક પણ કમ્પલેઈન નથી. અમે કેવી રીતે તેમને સમજાવીએ છીએ તે બધી વાત અમે જાહેર કરીએ તો પાર્ટી કેવી રીતે ચાલે. 39ની ટિકિટ કપાઈ છે પણ ઘણાઓએ સામેથી ના પાડી, ઘણાની 75 ઉંમર હતી, કેટલાકની ફરિયાદોને કારણે થઈ છે. આ અંગે મેરિટ પર કામ થયું છે, તમામ નેતાગીરી સાથે વાત થઈ અને પછી આ નિર્ણય લેવાયો છે.

આમ આદમી પાર્ટીને હું ગણતો નથીઃ પાટીલ
કોંગ્રેસના નેતાઓને ટિકિટ આપવા મામલે કહ્યું, મને અધ્યક્ષ બને અઢી વર્ષ થયા, મેં કહ્યું હતું કે હવે કોંગ્રેસ માટે દરવાજા બંધ છે પરંતુ તે પછી અમે ત્રણ લોકોને લીધા. મતલબ કે 182 બેઠકો પર બે ત્રણ લેવા એટલે દોઢ ટકો લીધા પોલિટિકલ પાર્ટી ચલાવવી હોય તો આટલું તો કરવું પડે. છતા અમારા કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે કોઈ પૈસાના દમે કે પાવરના દમે ટિકિટ લઈ ગયા.આમ આદમી પાર્ટી અંગે કહ્યું કે, હું આમ આદમી પાર્ટીને બહુ ગંભીર લેતો નથી. હું તમને બધાની સામે કહું છું લેખિત આપવા તૈયાર છું કે ગુજરાતમાં તેમનું ખાતુ પણ નહીં ખુલે. તેમણે જે વાયદા કર્યું તો તેનો સરવાળો સાડા આઠ લાખ કરોડ થાય, ગુજરાતનું બજેટ છે અઢી લાખ કરોડ. ભ્રષ્ટાચાર થતો અટકાવીને અમે તેમાં નાખીશું તેવું કહેતા, બજેટના 40 ટકા પગારમાં જતા રહે છે. તો બાકીના રૂપિયાનું કરપ્શન થતું હશે ક્યાંય કોઈ પણ સરકારમાં. ગુજરાતના લોકો ભણેલા છે. તેમને ખબર છે કે પૈસા છે નહીં તો વાયદા પુરા કેમના થશે.ગાંધીનગર કોર્પોરેશનના પરિણામ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બે વખત ચૂંટણી થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે જંગ થયો, અહીં નિવૃત્ત મતદારોની સંખ્યા વધુ છે. ત્યારે મેં કહ્યું હતું કે 44માંથી 44 જીતીશું અને પરિણામ આવ્યું ત્યારે અમે 41 જીત્યા હતા. મારા ધ્યાનમાં બાકી રહેલી 3 પર અમે કેમ હાર્યા, ક્યાં મારી પ્લાનીંગમાં ભુલ થઈ તે હું વિચારતો હતો. ત્યારે આપ પાસે 1 જ આવી, આ વખતે તો એ પણ નહીં આવે. અમને અમારા પ્લાનીંગ પર વિશ્વાસ છે.

રાહુલ ગાંધી ગુજરાત આવે તો સારું…: પાટીલ
રાહુલ ગાંધી અંગે કહ્યું કે, પદયાત્રા કરીને તેમને તાકાત આવી હશે, શક્તિ આવી હશે. તેઓ અહીં આવે અને કોંગ્રેસને શક્તિ મળશે. હું ઈચ્છું છું કે તેઓ અહીં આવે કારણ કે રાહુલ ગાંધી જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી જાય છે. વારંવાર મુખ્યમંત્રી બદલવા અંગે કહ્યું કે, નવા ચહેરા તો આવવા જ જોઈએ. ભાજપ સત્તા પ્રાપ્ત કરે છે સેવા કરવા માટે. 27 વર્ષમાં કાર્યકરો કરે છે. બદવામાં મારી વારી નહીં આવે. 8 નવેમ્બર પછી હું મારી કામ કરવાની રીત બદલી નાખીશ. ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર છે. નરેન્દ્ર મોદી તો અમારું બ્રહ્માસ્ત્ર છે, તેમના માટે લોકોને આદર છે વિશ્વાસ છે. અમે ઘણી ભુલો કરીએ છીએ જેનાથી જનતા નારાજ થાય છે પરંતુ નરેન્દ્ર મોદીના નામે અમને વોટ કરી દે છે તો તે અમારા માટે તે બ્રહ્માસ્ત્ર છે.

મોરબીનો બ્રીજ ભાજપ સરકારે ન્હોતો બનાવ્યોઃ સી આર પાટીલ
મોરબી અંગે તેમણે કહ્યું કે, મોરબીમાં જે બ્રીજ હતો તે ભારતીય જનતા પાર્ટીની સરકારે નથી બનાવ્યો. તે અંગ્રેજોએ 150 વર્ષ પહેલા બનાવ્યો હતો. તેથી આ ઘટના જ્યારે બની ત્યારે સૌથી પહેલા ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ત્યાં હતા. પ્રધાનમંત્રી ગુજરાતમાં હતા ત્રણેય પાંખોને ત્યાં કામ કરવા મોકલ્યા. તેઓ ત્યાં તુરંત ન ગયા કારણ કે પ્રોટોકોલ પ્રમાણે પ્રધાનમંત્રી જાય છે તો અધિકારી અને કર્મચારીઓ તેમની વ્યવસ્થામાં લાગી જાય. તેથી કામ ન થાય, તેઓ પછી ગયા અને ત્યાં બધાને મળ્યા. અમારા ધારાસભ્ય પાણીમાં ગયા ત્યારે કોઈ બીજા નેતા ન હતા. આ ઘટનામાં કોઈને પણ બચાવવામાં અમારો કોઈ રસ નથી.

ઈડબ્લ્યૂએસ પર બોલ્યા સી આર પાટીલ
ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રોને ભાજપ કેમ નથી ભેદી શકતું. અહીં આદિવાસી સીટોમાં સૌથી વધુ સીટ ભાજપની છે અને આ વખતે પણ આવશે. અમિત શાહની આ પોતાની ફિલ્ડ છે, લોકો તેમને ચાણક્ય રૂપે જાણે છે. તેમના આવતા જ લોકોને જે સત્તામાં આવવાની થોડી આશાઓ ઊભી થતી હતી તે જતી રહી છે. ઈડબલ્યૂએસમાં ક્યાંય જરૂરિયાતમંદોની અનામતમાં કોઈ ફેરફાર થયો નથી. ફક્ત આરક્ષણ આપવું નહીં પણ અલગ અલગ યોજનાઓથી તેમને ફાયદા કરાવવાનું, રસ્તા બનાવવા આવી સુવિધાઓ ગુજરાતમાં જ આદિવાસી ક્ષેત્રોમાં છે.

આપના મંત્રીઓ જેલમાં છે અને હજુ ઘણા જવાની સંભાવનાઃ પાટીલ
આંદોલનો થયા, ત્યારે લોકોની તરફથી કોઈ આંદોલન ન હતું કારણ કે ડેવલપમેન્ટનો તેમને ફાયદો મળે છે. 5 વર્ષ પહેલા વિકાસને ગાંડો કહેતા હતા, હવે કામની વાત થાય છે. ગુજરાતમાં ધંધો ચલાવવામાં કોઈને પ્રોબલેમ પડતી નથી, તેવી સિક્યોરિટી તેમને બીજા ક્યાંય નહીં મળતી. એજન્સીઓનો ઉપયોગ થતો હોય તો શું પછી કોર્ટ નથી બેઠી, સુપ્રીમ કોર્ટ છે, શું તમે માનો છો કે બધા ભ્રષ્ટ છે. કેજરીવાલની ફેવર ના થાય તો તેઓ આક્ષેપબાજી કરે છે. તેમના જે મિનિસ્ટર જે જેલમાં છે એક બે નહીં બીજા પણ ઘણા જવાની સંભાવના છે. દિલ્હી મોડલ બતાવીને લોકોને ભ્રમિત કરવાના તેમના પ્રયાસો રહે છે. એક દેશમાં બે કાયદા કેમ, યુનિફોર્મ સિવિલ કોડ લાવવો જોઈએ. બે અલગ અલગ કાયદા ક્યાંય પણ ન હોવા જોઈએ. ભાજપે ઘણા કાયદાઓમાં બદલાવ કર્યા છે અને નરેન્દ્ર મોદી કરશે. ગુજરાતે પહેલ કરી છે. જેવી જ સરકાર બનશે ત્યારે વિધાનસભામાં બીલ પાસ કરીને તેને પણ બનાવીશું. અમે ગુજરાતને સેફ બનાવીને ચાલીએ છીએ. ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બનાવશે.

    follow whatsapp