અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. આ દરમિયાન કચ્છ, જામનગર દ્વારકા જિલ્લાને નુકશાન થયું છે. આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે વાવાઝોડાથી રાજ્યમાં એક પણ માનવ જિંદગીને નુકશાન નથી થયું એટલે કે એક પણ માનવનું મોત નથી થયું. બીજી તરફ વાવાઝોડાને લઈ 940 ગામોમાં વિજપુરવઠો ખોરવાયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં વાવાઝોડાથી એક પણ મોત નથી થયું
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા છે. 940 ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.
940 ગામમાં વીજળી ગૂલ
કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં 200 થાંભલા અને 250 વૃક્ષો ધરાશાયી થયા હતા. 5 તાલુકાઓના 940 ગામોમાં વીજળી ગૂલ થઇ છે. તેમણે જણાવ્યું કે દરિયા કિનારેથી 10 કિમી સુધીનો વિસ્તાર ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. કચ્છમાં લગભગ 52,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 25,000 ઢોરને પણ ઊંચા સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
16-17 જૂને ભારે વરસાદની ચેતવણી
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત પરથી પસાર તો થઈ ગયું છે અપરંતુ તેની અસર હજુ છે. ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં 16-17 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે 17 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આજુબાજુના ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
9 રાજ્યોમાં એલર્ટ
ચક્રવાતી તોફાન બિપોરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને હાલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે.
ADVERTISEMENT