અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાના લઈને ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અચાનક વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાએ પાકિસ્તાનથી દિશા બદલી છે અને જખૌના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે આગામી 3 દિવસમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા પહેલા આજે ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, વલસાડ, નવસારી, દમણ તથા દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે NDRFની 3 ટીમોને જરોડ, વડોદરા અને ગાંધીનગરમાંથી પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડમાં મૂકવામાં આવી છે. તો ભારે પવનના કારણે ગીરનાર પર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પોરબંદરથી હવે કેટલું દૂર છે વાવાઝોડું?
હવામાન વિભાગ મુજબ વાવાઝોડું હાલ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. વારંવાર તેનો માર્ગ બદલાઈ રહ્યો છે અને જથૌ તરફ ફટાંતા કચ્છ તથા ગુજરાત માટે ચિંતા વધી છે. એવામાં આગામી 11થી 14 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે 10, 11 અને 12 જૂને 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જખૌમાં કોસ્ટ ગાર્ડે ચેતવણી આપી
ત્યારે ગુજરાતના તમામ દરિયાઈ વિસ્તારોમાં માછીમારોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જખૌ જેને જોતા દરિયાઈ વિસ્તારમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સતત માછીમારો અને મર્ચન્ટ વેસલને ચેતવણી આપીને દરિયાકાંઠેથી નજીકના પોર્ટ પર જવાની સૂચના આપવામાં આવી રહી છે.
દમણમાં રેસ્ક્યુની મોકડ્રિલ
જો કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવાની મોકડ્રિલ કરવામાં આવી હતી. હાલમાં દમણના દરિયાકાંઠે 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના ભારે મોજાના કારણે દેવકા બીચ પર રોડ પર પાણી આવી પહોંચ્યું છે. નવસારીના દરિયાકાંઠે પણ 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી-જૂનાગઢ, કૌશિક કાંઠેચા-કચ્છ, કૌશિક જોશી-વલસાડ)
ADVERTISEMENT