મેડિકલથી લઈને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છેઃ બિપોરજોયના ભય વચ્ચે હર્ષ સંઘવીએ કહ્યું

દ્વારકાઃ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા ‘બિપરજોય’ના ખતરા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી…

gujarattak
follow google news

દ્વારકાઃ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા ‘બિપરજોય’ના ખતરા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જિલ્લામાં હાલ એન.ડી.આર.એફ.ની એક તથા એસ.ડી.આર.એફ.ની બે ટૂકડી તહેનાત કરી દેવામાં આવી છે. હાલમાં બિપોરજોયના ભય વચ્ચે હર્ષ સંઘવીએ લોકોને સાંત્વના આપતા કહ્યું કે, મેડિકલથી લઈને, લોકોના સ્થળાંતર સહિતની વ્યવસ્થાઓ કરી દેવાઈ છે.

વિવિધ ટુકડીઓને અપાઈ સૂચનાઓ
આ માહિતી આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગત રાતે જ દ્વારકા આવી ગયા હતા અને તેઓએ મોડી રાત સુધી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મંત્રીએ જિલ્લામાં ઘટતી સાધન સામગ્રીઓ પણ સત્વરે ઉપલબ્ધ કરવવા સંબંધિત તંત્રને સૂચના આપી હતી. કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે દ્વારકા આવી રહ્યા છે. જ્યારે પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી પણ દ્વારકામાં ઉપસ્થિત છે.

વાવાઝોડાને સુરતમાં પણ એલર્ટ, મંત્રી મુકેશ પટેલે સ્થળ પર પહોંચી કરી કામગીરીની સમીક્ષા

તેમણે કહ્યું હતું કે, મંત્રી હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારકાના વિવિધ સંભવિત અસરગ્રસ્તો વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને પરિસ્થિતિ પર ચાંપતી નજર નાંખી રહ્યા છે. આજ બપોર સુધીમાં 1800થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા આજે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જિલ્લામાં રોડ પર પડેલા વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગની રાજ્ય અને પંચાયતની ટીમો ખડેપગે કામ કરી રહી છે. જ્યારે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા તેમજ સંલગ્ન વ્યવસ્થા માટે પીજીવીસીએલના બંને ડિવિઝન દ્વારા ટીમોની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત કંટ્રોલરૂમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટી વગેરેનો સંપર્ક કરીને માહિતી મેળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ-ખાનગી કંપનીનો સહયોગ મળી રહ્યો છે.

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)

    follow whatsapp