જુનાગઢઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને પગલે ઠેરઠેર માઠી અસરો જોવા મળી રહી છે. અત્યાર સુધી જે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાઈને શાંત થઈ જવાનું અનુમાન હતું તે વાવાઝોડું ગુજરાતથી રાજસ્થાન અથવા પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે. ત્યારે હવે આ વાવાઝોડાની દિશા નક્કરતાથી કહેવી મુશ્કેલ બની છે. બીજી તરફ તેની શક્તિ પણ ઘણી વધી ગઈ છે. હવે આ કારણે ભારતીય રેલવે દ્વારા 67 ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ટ્રેન કરાઈ રદ્દ, જુઓ સમગ્ર લીસ્ટ
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 67 ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે તેમાં મોટાભાગે તટ વાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઓખા, વેરાવળ, જામનગર, રાજકોટથી શરૂ થનારી અથવા પહોંચનારી 67 ટ્રેનને 12 જૂનથી 16 જૂન સુધી રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ, ઓખા, રાજકોટને જોડનારી લાંબા રૂટની ટ્રેન હવે અમદાવાદથી જશે.
પોરબંદરમાં પોલીસની લોકોને સમજાવટઃ સ્થળાંતરને લઈને SPએ લોકો સાથે કરી વાત- Video
272 લોકોને શેલ્ટર હોમ ખસેડ્યા
સંભવીત વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. જેમાં ઘણા સંવેદનશીલ વિસ્તારોના લોકોને સલામત અન્ય સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. દરમિયાન શેરિયાઝ અને શીલ ગામના કેટલાક તટવાળા વિસ્તારોના 272 લોકોને શેલ્ટર હોમ પહોંચાડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનાગઢથી ફૂડ પેકેટ પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
રોપ-વે બંધ
વાવાઝોડાની અસર અને તેની ભયાનકતાના અંદાજને લઈને હાલમાં જ અંબાજી ગબ્બરની રોપ વે બંધ કરવાનો નિર્ણય સામે આવ્યો હતો ત્યાં હવે પાવાગઢ તથા ગિરનાર રોપ-વે પણ બંધ કરવાના નિર્ણય લેવાયા છે. સંભવતઃ જાનહાની ટાળવા માટે આ નિર્ણય કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય સંજય કોરાડિયાએ લોકોને કરી અપીલ
ધારાસભ્ય સંજય કોરાડિયાએ કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે રાજ્યના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે સાવચેતી રાખે. આવનારા ચાર દિવસમાં જરૂરિયાત વગર ઘર બહાર નીકળવાનું ટાળવું. દૂધ, અનાજ અને શાકભાજીનો જરૂર પૂરતો જ સંગ્રહ કરવો. જૂના મકાનો અને વૃક્ષો નીચે ઉભા ન રહેશો. અમારી ધારાસભ્ય કાર્યાલયનો નંબર અને હેલ્પલાઈન નંબર આપની સેવા માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરજો. આવો, સૌ સાથે મળીને આ કપરા સમયને નાથીએ.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT