Bilkis Bano Case: બિલ્કીસ બાનોના દોષિતોની જેલ મુક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે આજે ચુકાદો આવશે.
ADVERTISEMENT
11 દિવસ સુધી ચાલી હતી સુનાવણી
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવશે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફી સંબંધિત ઓરિજનલ રેકોર્ડ રજૂ કર્યા હતા.
સજા માફીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સમય પહેલા દોષિતોની જેલ મુક્તિ પર સુપ્રીમ કોર્ટે સવાલો પણ ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિતો કેવી રીતે માફી માટે પાત્ર બન્યા. સુનાવણી દરમિયાન એક દોષિત માટે હાજર રહેલા સિનિયર વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે સજાની માફીએ દોષિતે સમાજમાં ફરીથી જીવવાની આશાનું એક નવું કિરણ જોયું છે, અને તેને ઘણો પસ્તાવો પણ થઈ રહ્યો છે.
કોને કરાયા છે જેલ મુક્ત?
આ કેસમાં જે દોષિતોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢીયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાનો સમાવેશ થાય છે.
કોણે કરી હતી અરજી?
આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બિલ્કીસ બાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ અને પૂર્વ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ અરજી કરી હતી.
શું છે સમગ્ર મામલો?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેન દ્વારા કારસેવકો પરત ફરી રહ્યા હતા. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગથી બચવા માટે બિલ્કીસ બાનો પુત્રી અને પરિવાર સાથે ગામ છોડીને ચાલ્યા ગયા હતા.
બિલ્કીસ બાનો અને તેમનો પરિવાર જ્યાં છુપાયો હતો, ત્યાં 3 માર્ચ 2002ના રોજ 20-30 લોકોના ટાળાએ તલવાર અને લાકડીઓ સાથે હુમલો કર્યો હતો. જે બાદ ટોળાએ બિલ્કીસ બાનો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતા. એટલું જ નહીં તેમના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.
2008માં મળી હજી આજીવન કેદની સજા
આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી . આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી. બાદમાં બિલ્કિસ બાનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. 21 જાન્યુઆરી 2008ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત બિલ્કીસ બાનોને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો હતો.
ADVERTISEMENT