ગોપી ઘાંઘર/અમદાવાદ : ગુજરાતના ગોધરાકાંડ દરમિયાન અનેક અમાનવીય બનાવો બન્યા તેપૈકીનો એક બિલકિસ બાનો ગેંગરેપ કેસે ખુબ ચર્ચા જગાવી હતી.જો કે આ કેસમાં સજા ભોગવી રહેલા 11 કેદીઓને સરકાર દ્વારા રચાયેલી કમિટીનાં પરામર્શ બાદ મુક્ત કરી દેવાયા છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમને વિશ્વહિંદુ પરિષદની ઓફીસ લઇ જઇને ફુલ માળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આરોપીઓનું હારતોરા કરીને સ્વાગત
આરોપી રાધેશ્યાને વીએચપીના અરવિંદ સિસોદીયા દ્વારા ફૂલોની માળા પહેરાવીને સ્વાગત કરતા હોય તે પ્રકારની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. જ્યારે સજાના અન્ય દોષીતો પણ ફુલની માળા પહેરીને બેઠા હોય તે પ્રકારની તસ્વીરો સામે આવી છે. એક દિવસ પહેલા ગોધરા સબજેલની બહાર પણ દોષીતો મુક્ત થયા ત્યારે મીઠાઇ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હોવાના વીડિયો વાયરલ થયા હતા.
તમામ આરોપીઓએ રાજનીતિનો ભોગ બન્યાનો દાવો કર્યો
જેલમાંથી મુક્ત થયાના એક દિવસ બાદ આરોપી શૈલેષ ભટ્ટે મીડિયાને કહ્યું કે, અમે તમામ લોકો રાજનીતિનો ભોગ બન્યા હતા. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તે પોતે એક ખેડૂત અને ભાજપના એકમાધ્યક્ષ હતા. એક અન્ય દોષી રાધેશ્યામ શાહે મુક્તિ અંગે કહ્યું કે, તમામ લોકો નિર્દોષ હતા પરંતુ અમારી વિચારધારાને કારણે અમને ફસાવવામાં આવ્યા હતા.
આરોપીઓનો નિર્ણય લેવા સરકારે બનાવી હતી કમિટી
અત્રે ઉલ્લેખનીય છે કે, બિલકિસ કેસના દોષીતોને મુક્ત કરવા કે નહી તે માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં ગોધરા કલેક્ટર સુજલ માયાત્રાને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જઆ ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી, ધારાસભ્ય સુમન ચૌહાણ ઉપરાંત પંચમહાલના સાંસદ જસવંત સિંહ રાઠોડ સહિત કુલ 11 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
છોડી દેવાયેલા આરોપીઓ
રાધેશ્યામ શાહ, જસવંત ચતુરભાઇ નાઇ, કેશુભાઇ વદાનિયા, બકાભાઇ વદનિયા, રાજીવભાઇ સોની, રમેશભાઇ ચૌહાણ, શૈલેષભાઇ ભટ્ટ, બિપિનચંદ્ર જોશી, ગોવિંદભાઇ નાઇ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયાને મુક્ત કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટપાર્યા
જો કે આ અંગે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ બાદ PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, 5 મહિનાની ગર્ભવતી મહિલા સાથે બળાત્કાર અને તેની 3 વર્ષની પુત્રીની હતયા કરનારાઓને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદ કરવામાં આવ્યા છે. નારી શક્તિની મોટી મોટી વાતો કરનારાઓ દેશને શું સંદેશ આપી રહ્યા છે? વડાપ્રધાનજી આખો દેશ તમારી કથની અને કરણી વચ્ચેનું અંતર જોઇ રહ્યો છે.
બિલકિસનો પરિવાર નિર્ણય બાદ સ્તબ્ધ
જો કે બિલકિસ બાનોના પતિ યાકુબ રસુલે દોષિતોની મુક્તે અંગે INDIA TODAY સાથેની વાતચીતમાં કહ્યું કે, પહેલા તેમની પત્નીને વિશ્વાસ જ ન થયો કે આવુ કંઇ પણ થયું છે. થોડા સમય બાદ બિલકીસ રડવા લાગી હતી. પછી શાંત થઇ ગઇ હતી. ત્યાર બાદ બિલકિસે કહ્યું કે, તેને એકલી છોડી દેવામાં આવે. તેણે પોતાની પુત્રી સાલેહાની આત્મા માટે દુઆ કરી છે. યાકૂબ રસુલે કહ્યું કે, અમે જે સ્થિતિમાં છોડી દેવાઇ છે, તેને હવે કાંઇ પણ અનુભવવાની શક્તિ નથી બચી.
અસદુદ્દીન ઓવૈસીએ કાયદાના છાજીયા લીધા
બિસકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરતા કહ્યું કે, આ લોકોએ જધન્ય અપરાધ કર્યો છે. તેમની મુક્તિ બિલકિસ બાનોના સંઘર્ષની મજાક છે. જુના ઘાને ફરી તાજા કરવામાં આવ્યા છે. ભાજપ ટેક્નિકાલીજી પાછળ છુપાઇ શકે નહી. સરકારની પોતાની નીતિ અને કેન્દ્રના નિર્દેશ બળાત્કારીઓ અને સીબીઆઇ તપાસના દોષિતોને મુક્ત થતા અટકાવી શક્યા હોત.બીજા ટ્વીટમાં લખ્યું કે, 2014 રીમિશન નીતિએ સુપ્રીમ કોર્ટના આદેશ પર 1992 ની નીતિને હટાવી દીધી. ગુજરાત સરકારે પોતે સ્વિકાર કર્યો કે, 2012 ના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 1992ની નીતિ બદલવી પડી કારણ કે હવે તે કાયદા અનુરૂપ નથી.
ADVERTISEMENT