ગાંધીધામ: ગુજરાતમાં વાહન ચોરીના રોજે રોજ બનાવો બનતા હોય છે. આ વચ્ચે કચ્છના ગાંધીધામથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 10 મહિના પહેલા ગાંધીધામમાંથી એક બાઈકની ચોરી થઈ હતી. જોકે આ બાઈકને 12 દિવસ પહેલા યુ.પી પોલીસનો ઈ-મેમો મળતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગાંધીધામથી ચોરાયેલું બાઈક ઉત્તર પ્રદેશમાં ફરતું જોવા મળતા પરિવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈ-મેમો સાથે અરજી કરી જાણ કરી છે.
ADVERTISEMENT
નાસ્તો કરવા ગયેલા યુવકનું બાઈક ચોરાયું હતું
અંજારના અજયપાળનગર-2માં રહેતા કાર્તિક ખોડિયાર ગત વર્ષે દિવાળી પર મિત્રો સાથે ગાંધીધામના વિલિયમ જોમ્સ હોટલમાં નાસ્તો કરવા ગયા હતા. તેઓ બહાર આવતા તેમના પિતાની 1 લાખની કિંમતની બાઈક ચોરાઈ ગઈ હતી. આથી તેમણે બીજા દિવસે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બાઈક ચોરાયાના 10 મહિના બાદ અચાનક તેમને આ ચોરાયેલી બાઈકનો રૂ.1000નો ઇ-મેમો મળતા પરિવાર ચોંકી ગયો હતો.
પરિવારે કરી પોલીસમાં અરજી
ઈ-મેમો મળતા જ પરિવાર પોલીસ પાસે પહોંચ્યો હતો અને રૂબરૂ અરજી આપી હતી. જોકે પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા ન અપાતા પરિવારે રજિસ્ટર એડી દ્વારા ફરીથી અરજી કરી છે. હવે પરિવાર પોલીસ કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે. જેથી તેમને ચોરાયેલું બાઈક પાછું મળી શકે.
ADVERTISEMENT