અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આજે શહેરમાં એક નિર્દોષ યુવાને આ રખડતા ઢોરના કારણે પોતાનો જીવ ગુમાવી દીધો. હાંસોલ વિસ્તારમાં રસ્તાની વચ્ચો વચ ઉભેલી ગાય સાથે બાઈક પર જતો યુવક અથડાયો હતો. ગાય સાથે અથડાઈને રોડ પર પડેલા આ યુવક પર પાછળથી આવતી ટ્રકના ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
રસ્તામાં ઊભેલી ગાય સાથે બાઈક સવાર અથડાયો
શહેરમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરના સરદારનગર ખાતે રેનબો ફ્લેટમાં રહેતો યુવક હાંસોલ વિસ્તારમાંથી બાઈક પર જઈ રહ્યો હતો. જોકે રોડની વચ્ચો વચ ઊભેલા ગાય સાથે તેનું બાઈક અથડાયું હતું. આ કારણે તે રોડ પર નીચે પડી ગયો હતો. એવામાં પાછળથી આવતી ટ્રકે તેને કચડી નાખતા યુવકનું મોત થઈ ગયું. તહેવારના દિવસોમાં જ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા
નોંધનીય છે કે, હાલમાં જ મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ તિરંગા યાત્રા દરમિયાન ગાયે અડફેટે લીધા હતા. આ ઘટનામાં નીતિન પટેલને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જે બાદ રાજ્યભરમાં રખડતા ઢોરનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો હતો. આ મામલે 3 દિવસમાં જ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. મહેસાણાના DySPએ સ્થાનિક પોલીસ પાસેથી ખુલાસો માગ્યો હતી. પોલીસને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે તિરંગા યાત્રાના સ્થળની મુલાકાત લઈને બંદોબસ્તની તથા રસ્તામાં ઢોર અડચણ રૂપ ન થાય તે માટે આયોજકોને માહિતગાર કર્યા હતા કે નહીં.
ત્યારે હવે અમદાવાદમાં યુવકના મોત બાદ તંત્ર જાગશે કે ફરી તંત્રની બેદરકારીના કારણે વધુ કોઈ નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો પડશે.
ADVERTISEMENT