Ram Mandir Inauguration: જાન્યુઆરી 2024નો મહિનો ઐતિહાસિક પૃષ્ઠોમાં નોંધાયેલો છે કારણ કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ધાટનને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં ચાર શંકરાચાર્યો પણ જવાના નથી. તેઓનું માનવું છે કે, મંદિર અધૂરું છે અને અધૂરા મંદિરમાં ભગવાન કે દેવતાની સ્થાપના ધાર્મિક શાસ્ત્રોની વિરુદ્ધ છે.
….તે હિન્દુ ધર્મ માટે હાનિકારકઃ રામાનંદાચાર્ય મહારાજ
આ વચ્ચે હવે રામ મંદિર મામલે જગદગુરુ પૂ.રામાનંદાચાર્ય મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, આજે ઘણા લોકો રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે, તે હિન્દુ ધર્મ માટે હાનિકારક છે. મોટા-મોટા આચાર્યોએ રામ મંદિરના ઉદ્ધાટન સામે નારાજગી વ્યક્ત કરી છે, મને લાગે છે આ યોગ્ય નથી.
‘સમગ્ર વિશ્વમાં ભારતનો વાગી રહ્યો છે ડંકો’
આજે એક મુદ્દો આપણા દેશમાં ઉઠાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીના હસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી યોગ્ય નથી. મને લાગે છે આમાં કઈ અયોગ્ય નથી. પીએમ મોદીના કારણે દુનિયામાં ભારતનું નામ ગુંજી રહ્યું છે. તેઓ દેશની શાન છે. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને કન્યાકુમારીથી કાશ્મીરી સુધી રામ મંદિર માટે કામ કર્યું છે.
‘રામ મંદિર દેશ માટે ગર્વનું પ્રતીક છે’
રામ મંદિરને લઈને જગતગુરુ રામાનંદાચાર્યએ જણાવ્યું કે, રામ મંદિર દેશ માટે ગર્વનું પ્રતીક છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિરનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ હોવું જરૂરી નથી, બાદમાં પણ નિર્માણ કામ પૂર્ણ કરી શકાય છે. મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ બાબતે ટીકા-ટિપ્પણીઓ નકારાત્મકતા ફેલાવે છે.
કોંગ્રેસે સમારોહમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતના ચાર શંકરાચાર્યોએ રામ મંદિરના પવિત્ર સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે, જે પછી રાજકીય વિવાદ શરૂ થયો કારણ કે કોંગ્રેસે પણ પવિત્ર સમારોહમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, મંદિરનું નિર્માણ હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી સનાતન ધર્મની પરંપરાથી વિરુદ્ધ છે. આપણા સનાતન ધર્મના ટોચના ગુરુ શંકરાચાર્ય પણ આ કાર્યક્રમમાં જવાના નથી. જો તેઓ કંઈક કહી રહ્યા છે, તો તેનું મૂલ્ય છે.
રિપોર્ટઃ રોનક જાની, ડાંગ