Gujarat Politics News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
ભાયાણીના રાજીનામાથી AAPને મોટો ઝટકો
લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષ પલટાની મૌસમ ખીલી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થઈ ગયું છે.
ભાજપમાં જોડાશે ભાયાણી
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, ‘હું પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો, ભાજપમાં મેં 22 વર્ષ કામ કર્યું છે. ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી.’
2022માં જાયન્ટ કિલર સાબિત થયા હતા ભાયાણી
2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.
ADVERTISEMENT