ગાંધીનગરઃ પહેલા મંત્રી મંડળમાંથી હટાવાયા તે પછી જુના મંત્રી મંડળના નેતાઓની ટિકિટને લઈને ભારે ચર્ચાઓ હતી. જોકે આ નેતાઓ પૈકીના કેટલાક નેતાઓએ તો જાતે જ સરકી જવાનું મુનાસીબ માન્યું છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પોતે ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તે પછી એક પછી એક રુપાણી સરકાર વખતના બદલી નાખવામાં આવેલા મંત્રીમંડળનો હિસ્સો રહેલા નેતાઓ હું ચૂંટણી નહીં લડું તેવી જાહેરાત કરી છે. જાણે કે છેલ્લી ઘડીએ બ્રહ્મજ્ઞાન લાદ્યુ હોય, હું ચૂંટણી નહીં લડું તેવું એક કેમ્પેઈન ચલાવાયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં જ વિગતો સામે આવી રહી છે કે, પ્રદિપસિંહ જાડેજા અને સૌરભ પટેલ પણ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે. તે ઉપરાંત આર સી ફળદુ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. જોકે રાજકીય પંડીતોનું માનીએ તો આ નિર્ણયની જાહેરાત નેતાઓ દ્વારા ભલે કરાઈ હોય પરંતુ તેની પાછળ હાઈ કમાન્ડનો દોરી સંચાર હોવો જોઈએ.
ADVERTISEMENT
ભુપેન્દ્રસિંહ અને આર સી ફળદુ અંગે ટુંકમાં જાણીએ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાલ ધોળકા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓમાં ગણાતા હોવા ઉપરાંત તેઓ અગાઉ વિજય રુપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી પણ હતા. તેઓ તે સરકાર દરમિયાન શિક્ષણ પ્રધાન અને કાયદા વ્યવસ્થા પ્રધાન તરીકેના મહત્વના ખાતાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. છ ટર્મથી ધારાસભ્ય રહેલા ચુડાસમા જ્યારે ગત ચૂંટણીમાં ઓછા માર્જીનથી જીત્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા તે જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને વર્ષ 2020માં હાઈકોર્ટે તે ચૂંટણીને અયોગ્ય ઠેરવી હતી. આ સાથે જ તેમનું ધારાસભ્ય પદ તેમને ગુમાવવું પડ્યું હતું. આ ઉપરાંત વાત કરીએ આર સી ફળદુની તો મૂળ કાલાવડના વતની ફળદુ અગાઉ કાલાવડ બેઠક અને તેના પછી જામનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ રુપાણી સરકાર દરમિયાન કેબિનેટ કક્ષાના મંત્રી હતા અને તેમની પાસે એગ્રિકલ્ચર, ફિસરીઝ, ટ્રાન્સપોર્ટ ફિલ્ડ વગેરે જેવા મહત્વના ખાતાઓ હતા. તેઓ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર પણ સંભાળી ચુક્યા છે. ફળદુનું નામ ઘણી વખત મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં આવી ચુક્યું છે પરંતુ તેવું બન્યું નથી.
ગુજરાત ભાજપના સૌથી મોટા સમાચાર
બુધવારની મોડી સાંજે ભાજપમાં ભુકંપ આવ્યો છે. વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. ઉપરાંત 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે તેવી પણ માહિતી મળી રહી છે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
ટિકિટ કપાય તે લગભગ નક્કી હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણીમાં ટિકિટ ન અપાય તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. તેવામાં નીતિન પટેલ અને વિજય રૂપાણી એટલે કે ગુજરાતની પૂર્વ સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતે જ પોતાના નામ પરત ખેંચીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ હતા. તેમની બંન્ને સામે લોકોમાં ભારે આક્રોશ હતો. આ આક્રોશના ભાગરૂપે જ તેમની સરકારના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંન્ને નેતાઓ સાઇડ લાઇન થઇ ચુક્યા હતા. જેથી આખરે તેઓ ધારાસભ્ય રહે તેવી શક્યતા હતી.
ADVERTISEMENT