આગોતરાં આયોજન અને પૂર્વતૈયારીઓથી ‘બિપોરજોય’ વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુલિટી શક્ય બનીઃ CM

ગાંધીનગર: ગઇકાલે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ દરિયાકિનારે ત્રાટક્યું હતું અને…

gujarattak
follow google news

ગાંધીનગર: ગઇકાલે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ દરિયાકિનારે ત્રાટક્યું હતું અને ત્યારબાદ તેની આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાંની અસરો વર્તાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના સાવચેતીભર્યા પગલાં અને આગોતરાં આયોજનના કારણે ન્યૂનતમ નુકસાન સાથે ગુજરાતે આ વાવાઝોડાંનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્ર સરકારના સહયોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, વડાપ્રધાને વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેઓએ મુખ્યમંત્રી સાથે વખતો વખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી.

કચ્છના અસરગ્રસ્તોને પ્રતિદિવસ રૂ. 100 ચુકવાશેઃ નાની વયનાને રૂ.60

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ. વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.

છેલ્લા 4 દિવસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં સવાર-સાંજ હાજરી આપીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિનો તાગ લીધો હતો. આજે સવારે પણ તેઓએ SEOCમાં જઇને ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી અસરો, ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, અને જાનમાલની નુકસાની અંગેની રજેરજ વિગતો મેળવી હતી.

હોસ્પિટલમાં સ્ટ્રેચર નહીં મળતા પિતા પુત્રને સ્કુટરમાં ત્રીજે માળ લઇ ગયા

પૂર્વતૈયારીઓ અને અસરકારક પગલાં
• મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-બાય રહેવાના આદેશ કર્યા હતા. વિવિધ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
• તેમણે જણાવ્યા પ્રમાણે સરકારના દિશાનિર્દેશમાં 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.
• ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
• આ સાથે જ, જરૂર પડે તો મદદમાં આવી શકે તે માટે ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
• દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા અને 21 હજારથી વધુ હોડીઓ લંગારી દેવામાં આવી હતી.
• ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી હતી.
• દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ અને બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી અને સુરત ખાતે 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી હતી.
• મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડા દરમિયાન સતત મોનિટરીંગ શરૂ રાખ્યું હતું. તેઓએ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી બેઠક યોજીને રજેરજની માહિતી મેળવી હતી.

કચ્છને ધમરોળવાને Biparjoy Cycloneએ કશું બાકી નથી રાખ્યુંઃ જોઈ લો આ Videos

વીજ પુરવઠો દુરસ્ત કરવા માટે તાત્કાલિક એક્શન
ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 1127 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી હતી. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

અસરગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સજ્જ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરી સાધન-સામગ્રી સહિત 132 ટીમો તૈયાર રાખી હતી. 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડર અને 234 અન્ય સાધન સામગ્રી સાથે આ ટીમો અસરગ્રસ્ત થયેલા રસ્તાઓની મરમ્મતની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લાઓના 263 રસ્તાઓ પરથી અત્યારસુધીમાં 1137 વૃક્ષો હટાવવામાં આવ્યા છે.

 

    follow whatsapp