મહાશિવરાત્રી 2023: મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવ પ્રત્યેની આપણી શ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવે છે. દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.આજે રાજ્યના વિવિધ શહેરોમાં શિવરાત્રીને લઈને ખાસ આયોજનો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ વખતે Mahashivratri 2023 પર વિશેષ સંયોગો પણ બની રહ્યા છે, જેમાં પૂજા અને ઉપવાસ અત્યંત ફળદાયી રહેશે. આ વર્ષે પ્રદોષ વ્રત પણ મહાશિવરાત્રીના દિવસે છે અને શનિવાર પણ છે. શનિદેવ ભગવાન શિવના પરમ શિષ્ય છે અને ભગવાન શિવે તેમને ન્યાયાધીશ અને કર્મના ફળ આપનાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ વર્ષે Mahashivratri 2023 ભગવાન શિવની સાથે ભગવાન શિવની કૃપા મેળવવા માટે શુભ રહેશે.
મહાશિવરાત્રી પર્વ પર રાજ્યમાં ક્યાં કેવી તૈયારી ?
જૂનાગઢમાં ભવનાથ,ભભૂતી,ભજન,ભવેશ્વર અને ભોજનનો સંગમ
જૂનાગઢમાં શિવ-પાવર્તીના વિવાહમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, સાધુ-સંતો અને નગરજનો ઉમટશે.ગરવા ગિરનારની ગોદમાં બમ્ બમ્ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. એવી લોકવાયકા છે કે આ મેળામાં ભિષ્મ પિતામહ,અશ્વસ્થામા, રાજા ભરથરી જેવા અનેક લોકો કોઇને કોઇ સ્વરૂપે હાજર રહે છે. મહાશિવરાત્રીના પર્વે મૃગી કુંડમાં દિગંબર સાધુઓના સ્નાન સાથે આ મેળાની પૂર્ણાહુતિ થાય છે. અનેક સિધ્ધહસ્ત સંતો,મહંતો અને સાધુઓ આ મૃગીકુંડમાં સ્નાન કરે છે. પણ સ્નાન કર્યા પછી તેઓ ક્યા અલોપ થઇ જાય છે તે રહસ્ય અકળ છે.આ સાથે જ મેળામાં લાખો લોકો પહોંચી ચૂક્યા છે. અનિચ્છનિય ઘટના ન બને તે માટે 4,000 જેટલા પોલીસ કર્મચારીઓ 24 કલાક ખડેપગે સેવા આપશે.
વડોદરામાં સુવર્ણ મઢિત શિવજીનું થશે પૂજન
વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. તળાવની વચ્ચે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પર રૂ.12 કરોડના ખર્ચે સોનું જડવામાં આવ્યું છે. 2020થી શિવજીની પ્રતિમાને સોનાથી જડિત કરવાનું કામ ચાલી રહ્યું હતું. જે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે આજે મહાશિવરાત્રિના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.PM મોદીએ રામ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો એ જ દિવસે વડોદરામાં પણ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લું
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં મહામૃત્યુંજય જાપયજ્ઞા, પાલખીયાત્રા, ચાર પ્રહરની આરતી, બિલ્વપૂજા, સોમનાથ ચોપાટી પાસે પાર્થીવેશ્વર પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની શૃંખલા સતત ચાલતી રહેશે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ત્રણ દિવસ સુધી ભક્તોનો પ્રવાહ ઉમટશે.આથી સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે.શિવરાત્રિ પર્વ નિમિતે સોમનાથ મહાદેવ શિવાલય વહેલી સવારના ચાર વાગ્યે ખૂલી જશે. જે સતત 42 કલાક ખુલુ રહીને તા. 19મીની રાત્રિના દસ વાગ્યે દર્શન બાદ બંધ થશે. શિવરાત્રિના દિવસે નૂતન ધ્વજારોહણ, મહામૃત્યુંજય જાપ, સાયં શણગાર , અને રાતના સાડા નવ, સાડા બાર, સાડા ત્રણ અઅને સાડા પાંચ વાગ્યે એમ કુલ ચાર વાર મહાઆરતી થશે.
આ પણ વાંચોઃ જૂનાગઢ હર હર મહાદેવના નાદથી ગુંઝ્યુ, લાખો લોકોની મેદની ઉમટી પડી
વલસાડમાં 31 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું
વલસાડના ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 31 લાખ રુદ્રાક્ષના સથવારે સવા 31 ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત ગઈકાલે થઈ ગઈ. લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી.11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે. જેનો ગઈકાલે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT