ભાવનગરઃ આમ આદમી પ્રાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વિસ્તારમાં જ નારાજગીનો સૂર ઉઠ્યો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત દરમિયાન ગઢડા, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં ગરમાવો આવી ગયો છે. જેને કારણે હાલ પાર્ટીની ચિંતા થોડી વધી જાય તેવી સ્થિતિ છે કારણ કે નારાજગી વ્યક્ત કરનારા પણ પોતાના છે અને જેમને ઉમેદવાર જાહેર કર્યા છે તે પણ, તેથી હવે આ ઉકળાટને કેવી રીતે પાર્ટી પ્રમુખ અથવા સીએમનો ચહેરો બનેલા ઈશુદાન થાળે પાડે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
ગઢડા, વલ્લભીપુર અને ઉમરાળામાં નારાજગીનો સૂર જાણો કેમ?
રાજકારણમાં મોટાભાગે આવું જોવા મળતું હોય છે. આપણે ત્યાં લગ્નમાં પણ ઓછામાં ઓછા 2 તો નારાજ થઈને બેઠા જ હોય છે તો આ તો વિધાનસભા ચૂંટણી છે, દરેક રાજકીય પાર્ટીઓને ઉમેદવારોની જાહેરાત સમયે આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ચાહે તે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ કે પછી કોઈ અન્ય પાર્ટી. જોકે તેમાંથી રસ્તો કેવી રીતે હાઈકમાન્ડ કાઢે છે તે જ મહત્વનું હોય છે. આવી જ સ્થિતિ આમ આદમી પાર્ટીની ખુદ પાર્ટીના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં ઊભી થઈ છે. બન્યું એવું છે કે ગઢડા, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં આમ આદમી પાર્ટીના સંગઠનના પ્રમુખ સહિતના કાર્યકરોએ રાજીનામાની ચીમકી આપી દીધી છે. તેની પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણકારી મળી કે તેઓ ગઢડા (અનામત) બેઠક પર આપ દ્વારા સુરતમાં રહેતા રમેશ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
રજૂઆતો છતાં સંગઠન સાંભળતું ન હોવાનો આરોપ
નારાજ નેતાઓનું કહેવું છે કે તે આયાતી ઉમેદવાર છે અને આયાતી ઉમેદવાર જાહેર થયા છે તે અયોગ્ય છે તેના બદલામાં પાર્ટીએ સ્થાનિક નેતાને ટિકિટ આપવી જોઈએ. સ્થાનિક ચહેરાની માગ સાથે તેઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 તાલુકામાંથી અંદાજીત 100થી વધુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાની ચીમકી આપી છે. તેઓ આ મામલે ઉમરાળામાં ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે સંગઠન ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં સાંભળતું નથી. ગઢડા વિધાનસભા બેઠક પર ચૂંટણી થાય તે પહેલા જ આ કારણે આમ આદમી પાર્ટીને કપરા ચઢાણ ચઢવાનો વારો આવ્યો છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT